આણંદ નગરપાલિકાના ભાજપના નગરસેવકની કાળી કરતૂત છતી થઇ..
પરિણીતાનો પતિ આવી જતાં તેને રૂમમાં પુરી દેતાં કાઉન્સીલરે તેના મિત્રોને બોલાવી મારામારી કરી..
આણંદ નગરપાલિકાના ભાજપના મેન્ટેડ પર વોર્ડ નં.6માં વિજેતા બનેલા કાઉન્સીલર દિપુ પ્રજાપતિએ શનિવારની મોડી રાત્રે પરિણીતાના ઘરમાં ઘુસી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, અચાનક ઘરે આવેલા પરિણીતાના પતિએ તેને પકડી રૂમમાં પુરી દીધો હતો. આથી, કાઉન્સીલરે તુરંત તેના મિત્રોને બોલાવ્યાં હતાં. જેના પગલે ભારે હોબાળો થયો હતો. આ અંગે પરિણીતાએ દૂષ્કર્મ સહિતની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ નગરપાલિકાના વોર્ડ નં.6માં ભાજપ પક્ષમાંથી ચુંટાયેલા દિપુ ઉર્ફે દિલીપ ગોરધન પ્રજાપતિએ પરિણીતાના ઘરે પહોંચી દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિણીતાએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિલીપ પ્રજાપતિ સાથે છએક મહિના પહેલા સંપર્કમાં આવ્યાં હતાં. આ સંપર્ક બાદ દિલીપે તેનો મોબાઇલ નંબર લીધો હતો. બાદમાં અવાર નવાર તેનો સંપર્ક કરતો હતો. બાદમાં પરિણીતા પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. કાઉન્સીલર દિલીપ પ્રજાપતિએ 6ઠ્ઠી જૂનથી 16મી નવેમ્બર દરમિયાન અનેક વખત દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ અંગે પરિણીતા વિરોધ કરે તો તેના વિડીયો તેમજ ફોટા પતિના મોબાઇલમાં આપવાની ધમકી આપતો હતો.
દરમિયાનમાં દિલીપ પ્રજાપતિ શનિવારની રાત્રે અચાનક પરિણીતાના ઘરે પહોંચી ગયો હતો અને દૂષ્કર્મ ગુજારવા પ્રયાસ કરતો હતો. આ સમયે પરિણીતાનો પતિ ઘરે આવી ગયો હતો અને તેને પકડી પાડ્યો હતો. જોકે, આ સમયે ઝપાઝપી થઇ હતી. પરંતુ પરિણીતાના પતિએ તેને રૂમમાં પુરી દીધો હતો. આ ઘટનાથી ગભરાયેલા દિલીપે તુરંત તેના કેટલાક મિત્રોને જાણ કરતાં દિલીપના બે ભાઇ સહિત સાતેક વ્યક્તિ પરિણીતાના ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓએ પરિવાર પર હુમલો કરી દિલીપને બહાર કાઢ્યો હતો. જોકે, આ ધમાલના પગલે આસપાસના લોકો એકઠા થતાં મોટી બબાલ થઇ હતી. જેમાં સામસામે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. દિલીપને છોડાવવા આવેલા શખ્સોએ લોખંડની પાઇપથી હુમલો કરતાં પરિણીતાના ભાઈને પણ ગંભીર ઇજા પહોંચી હતી.
આખરે આ મામલો આણંદ શહેર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે પરિણીતાની ફરિયાદ આધારે દિલુ ઉર્ફે દિલીપ ગોરધન પ્રજાપતિ (રહે. શિવાકૃપા સોસાયટી, વિદ્યાનગર રોડ, આણંદ) સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં હતાં.
ભાજપ પક્ષમાંથી દિલીપને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો ..
આણંદ પાલિકાના વોર્ડ નં.6માં ભાજપ મેન્ટેડ પરથી ચૂંટાયેલા દિલીપ ગોરધન પ્રજાપતિને તાત્કાલિક અસરથી ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ અંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુક રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આણંદ પાલિકાના વોર્ડ નં.6માં ભાજપના પ્રતિક પર દિલીપ પ્રજાપતિ ચૂંટાયેલા છે. જેઓએ પક્ષની ગરીમાને નુકશાનકર્તા કૃત્ય આચર્યું છે. આથી, તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ જવાબદારીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.