આણંદ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા એવન્યુ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટ ખાતે ઘઉંના સ્ટોકની લિમિટ બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરાઈ
હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સને પોર્ટલ ૫ર રજીસ્ટ્રેશન કરાવી સ્ટોકની વિગતો દાખલ કરવા તાકીદ
(પ્રતિનિધિ) આણંદ તા.25
આણંદ જિલ્લામાં 8 ટીમો દ્વારા ઘઉંનો વેપાર કરતા 34 જેટલા વેપારીને ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની સુચના મુજબ સંગ્રહખોરીને રોકવા માટે સરકારે ઘઉં પર સ્ટોક મર્યાદા લાદી છે. આ સ્ટોક મર્યાદા હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સને લાગુ પડે છે.
આણંદ કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાલુકા દીઠ એક એમ કુલ 8 ટીમોની રચના કરી આણંદ જિલ્લામાં આવેલા ઘઉંના હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે. આણંદ જિલ્લા કક્ષાની ટીમ જિલ્લા પુરવઠા અધિકારીની હાજરીમાં એવન્યુ સુપર માર્ટ કરમસદ ડીમાર્ટ, ગેલેરીયા મોલની બાજુમાં, કરમસદ, આણંદ ખાતે ઘઉંના સ્ટોક બાબતે તેમના દ્વારા ઓનલાઇન બતાવવામાં આવેલા સ્ટોક અને આકસ્મિક તપાસ કરતા ફિઝિકલ સ્ટોક બરાબર માલુમ પડ્યો હતો. આ ઉપરાંત તાલુકા કક્ષાની ટીમો દ્વારા આણંદ જિલ્લાના તમામ તાલુકાઓ ખાતે 34 જેટલા ઘઉંના હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સની આકસ્મિક તપાસણી કરવામાં આવી છે. આ તપાસણી દરમિયાન હોલસેલર્સ દ્વારા ઓનલાઇન જે સ્ટોક બતાવવામાં આવ્યો હતો. જેનું ફિઝિકલ વેરિફિકેશન કરતા બરાબર માલુમ પડેલ છે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભારત સરકાર દ્વારા ઘઉં પર દાખલ કરવામાં આવેલ સ્ટોક લીમીટના અનુસંધાને આણંદ જિલ્લામાં આવેલા હોલસેલર્સ, રિટેલર્સ, મોટા ચેઈન રિટેલર્સ, મિલર્સ, આયાતકારો અને પ્રોસેસર્સને ભારત સરકારના પોર્ટલ ૫ર રજીસ્ટ્રેશન કરાવવા તથા રજીસ્ટ્રેશન કરાવેલ વેપારીઓને દર શુક્રવારે સ્ટોકની વિગતો દાખલ કરવા જે.એસ.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી, આણંદ દ્વારા જણાવાયુ છે.
કયા વેપારી કેટલો સ્ટોક રાખી શકે છે ?
ઘઉંની સ્ટોક મર્યાદામાં ભારત સરકારના સેન્ટ્રલ ઓર્ડરથી નક્કી કરવામાં આવેલો સ્ટોક લિમિટ મુજબ વેપારીઓ, હોલસેલર્સ 250 મેટ્રિક ટન, રિટેલર્સ દરેક રિટેલ આઉટલેટ માટે 4 મેટ્રિક ટન, મોટા ચેઇન રિટેલર્સ દરેક વિષય માટે 4 મેટ્રિક ટન મહત્તમ જથ્થા તેમના તમામ આઉટલેટ્સ અને ડેપો પર મેટ્રિક ટન સ્ટોક પ્રોસેસર્સ માસિક સ્થાપિત ક્ષમતાના 50 ટકા એપ્રિલ 2025 સુધી બાકીના મહિનાઓથી ગુણાકાર મુજબનો જથ્થો રાખી શકે છે.
