ગાંધીનગરમાં યોજાયેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. થયા
———-
મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજાઈ:
———
પ્રોજેક્ટમાં રૂપિયા 1317 કરોડનું સંભવિત રોકાણ થશે અને 1300થી વધુ પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર અવસરો ઉપલબ્ધ થશે
——–
* સી.એલ.એસ.ની સ્થાપનાથી ડેટા સેન્ટર અને આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં વૃદ્ધિ થશે.
* ગુજરાત હાઇપર સ્કેલ અને એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર માટે પસંદગીનું સ્થળ બનશે.
———
*રાજ્ય સરકાર – ગિફ્ટ સિટી અને એનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સ વચ્ચે એમ.ઓ.યુ.*
——–
ગાંધીનગર:;ગુજરાતમાં ડેટા સેન્ટર અને આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટમાં વધારો કરીને હાઇપર સ્કેલ અને એન્ટરપ્રાઇઝ ડેટા સેન્ટર માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઈસ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ હેતુસર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને શારજાહની હેનોક્સ આઈ.ટી એન્ડ ડેટા સેન્ટર્સ પ્રા.લી. વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા.
આ ડેટા કેબલ લેન્ડીંગ સ્ટેશન પ્રોજેક્ટ અંદાજે 1317 કરોડ રૂપિયાના સંભવિત રોકાણ સાથે આણંદ જિલ્લાના ધુવારણમાં આકાર પામશે અને પ્રત્યક્ષ પરોક્ષ મળીને 1300થી વધુ રોજગારીની તકોનું સર્જન થશે.
ગાંધીનગરમાં યોજાઇ રહેલી રિજનલ એ.આઈ. ઇમ્પેક્ટ કોન્ફરન્સમાં સહભાગી થવા આવેલા હેનોક્સ આઇ,ટી,ના સી.ઈ.ઓ. મસૂદ એમ શરીફ મહમદ અને રાશીદ અલ અલી તથા યુ.એઈ.ના ભારત સ્થિત રાજદૂત ડૉ. અબ્દુલ નસર જમાલ અલસાલીએ આ એમ.ઓ.યુ. કર્યા પછી મુખ્યમંત્રી , નાયબ મુખ્યમંત્રી અને સાયન્સ ટેકનોલોજી મંત્રીશ્રી સાથે મુલાકાત બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સી.એલ.એસ પ્રોજેક્ટને પરિણામે આવનારા દિવસોમાં ગુજરાતમાં ઝડપી અને મજબૂત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી એ.આઈ., મશીન લર્નિંગ, સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ્સ અને જી.સી.સી.ના વિકાસને વેગ મળશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
એટલું જ નહીં, વૈશ્વિક ડેટા ટ્રાફિક માટે ગુજરાત મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર – ગેટ-વે બનશે અને દેશની ડિજિટલ ઇન્ડિપેન્ડન્સી કેપેસિટી સુદ્રઢ થશે એમ તેમણે આ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.
હેનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સના સી.ઈ.ઓ.એ આ કેબલ લેન્ડિંગ સ્ટેશનની મહત્વતા અંગે કહ્યું કે, આ સેન્ટર ભારત અને ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડતા મહત્વપૂર્ણ મોડલ તરીકે કાર્ય કરશે. આ સેન્ટર સ્માર્ટ સિટીઝ માટે ઉચ્ચ બેન્ડવીથ જરૂરિયાત ધરાવતા એપ્લિકેશન્સ માટે બેકબોન તરીકે પણ સેવાઓ પૂરી પાડશે.
આ મુલાકાત બેઠકમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સાયન્સ ટેકનોલોજી વિભાગના સચિવ પી. ભારથી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
——