વેપારી અને ઉદ્યોગપતિને ત્યાં બિનહિસાબી કારોબારનો સર્વે હાથ ધરવામાં આવ્યો
(પ્રતિનિધિ) આણંદ તા.27
આણંદ અને નડિયાદમાં ગુરૂવારના રોજ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી બેનંબરના વ્યવસાયકારોમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ કેટલું નાણું પકડાયું તે હજુ બહાર આવ્યું નથી.
નડિયાદ શહેરમાં ગુરૂવાર સવારથી ઈન્કમટેક્ષ વિભાગે સપાટો બોલાવ્યો છે. શહેરના પીપલગ રોડ પર આવેલી વસંત વિહારમાં એક વેપારીના ત્યાં તપાસ શરૂ કરી છે. આ વેપારીની નડિયાદના ટુંડેલના સીમ વિસ્તારમાં આવેલી એક એલ્યુમિનિયમની કંપનીમાં પણ તપાસ ચાલી રહી છે.જો કે, હજુ સુધી આ કંપની માલિકનું નામ સામે આવ્યુ નથી. આ સિવાય અન્ય કોઈ સ્થાનોએ તપાસ ચાલી રહી હોવાની ચર્ચાઓ છે. જો કે, હજુ ચોક્કસ માહિતી સામે આવી નથી. ઈન્કમટેક્ષ વિભાગની ઓચિંતી તપાસથી શહેરના વેપારીઓ અને ઉદ્યોગપતિ સહિત બિલ્ડરોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત આણંદમાં પણ આવકવેરાની કેટલીક ટીમ વ્હેલી સવારથી જ પહોંચી ગઇ હતી અને સર્વેની કામગીરી હાથ ધરી હતી.
