Charotar

આણંદ આરટીઓમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટ આધારે લાયસન્સ કઢાવવાનું કૌભાંડ !

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે આરટીઓ કચેરી બહાર જ નકલી મેડિકલ સર્ટિફિકેટ કાઢી આપતા પિતા-પુત્રને પકડી પાડ્યાં

આણંદ.
આણંદ આરટીઓ કચેરી બહાર જ બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવી આપતા બે શખ્સને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે પકડી પાડ્યાં હતાં. આ બોગસ મેડિકલ સર્ટિફિકેટ આધારે આરટીઓમાંથી ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવતા હોવાનું મસમોટું કૌભાંડ પકડાયું છે. આ અંગે બન્ને શખ્સ સામે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની બાતમી મળી હતી કે, આણંદ આરટીઓ કચેરીના મુખ્ય દરવાજા બહાર સફેદ કલરની ગાડીમાં રિઝવાન વ્હોરા તેમજ રાહિલ વ્હોરા (રહે.સામરખા ચોકડી, આણંદ) ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટેના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ પર જાતે મેડિકલ ઓફિસરના ગેરકાયદેસર રીતના બનાવટી સહિ સિક્કા કરી બોગસ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બનાવે છે. આ બોગસ મેડિકલ ફિટનેસ આધારે ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી 26મીના રોજ સ્થળ પર તપાસ કરી હતી. આ દરમિયાન આરટીઓ કચેરી ખાતેના મુખ્ય દરવાજા બહાર જ શંકાસ્પદ ગાડી પડી હતી. જેમાં બે શખ્સ કાપડની છત્રી લગાવી બેઠાં હતાં. આથી આ બન્નેને કોર્ડન કરી અટક કરી પુછપરછ કરતાં તે રિઝવાન મુસ્તુફા વ્હોરા અને બીજો રાહિલ રિઝવાન વ્હોરા (રહે. સાદાનાપુરા, સામરખા) હોવાનું જણાવ્યું હતું. આ બન્ને શખ્સ પિતા – પુત્ર હોવાનું કબુલ્યું હતું. આ બન્ને શખ્સ આરટીઓ કચેરીમાં અલગ અલગ કામથી આવતા અરજદારોના કામો કરી આપતા હોવાનું જણાવ્યું હતુ. આથી, એસઓજીએ કારમાં તપાસ કરતાં લેપટોપ, તેમજ પ્રિન્ટર મળી આવ્યાં હતાં. આ ઉપરાંત અરજદારોના ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત ડોક્ટર્સના રબ્બર સ્ટેમ્પ પણ મળી આવ્યાં હતાં. આ અંગે પુછપરછ કરતાં આણંદ આરટીઓ કચેરી ખાતે આવતા અરજદારોમાં જેમને ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યૂ કરાવવાના હોય તેઓના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફોર્મ ભરી જાતે જ મેડિકલ ઓફિસરના સહી સિક્કા કરી તે મેડિકલ ફિટનેસ સર્ટીફિકેટ ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુ કરાવવા માટે ઉપયોગ કરતાં હતાં. આ કબુલાત આધારે એસઓજીએ બન્નેની અટક કરી સ્થળ પરથી મોબાઇલ, રોકડ, કાર સહિત કુલ રૂ.85 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મનુભાઈની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે રિઝવાન મુસ્તુફા વ્હોરા અને રાહિલ રિઝવાન વ્હોરા (રહે. સદાનાપુરા, સામરખા, આણંદ) સામે ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.

Most Popular

To Top