Charotar

આણંદમાં NRIએ ફાયરિંગ કરતાં ફફડાટ

આણંદ શહેર પોલીસનો ડી સ્ટાફ ઉંઘતો રહ્યો અને વિદેશથી આવેલો શખ્સ બે પિસ્તોલ રાખી રહેતો હતો !

ભારત – ન્યૂઝીલેન્ડની મેચ પુરી થતાં જુસ્સામાં આવી દેશી પિસ્તોલ સાથે હવામાં બે રાઉન્ડ ફાયર કર્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.10
આણંદ શહેરની બિસ્મિલ્લા સોસાયટીમાં રહેતા શખ્સે ક્રિકેટ મેચમાં ભારત વિજેતા બનતાં જોશમાં આવી પિસ્તોલમાંથી હવામાં ફાયરિંગ કરતાં આસપાસના રહિશો ફફડી ઉઠ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બુટલેગરના ઘરમાં સર્ચ ઓપરેશન કરી બે પિસ્તોલ અને મેગ્જીન કબજે કરી તેની ધરપકડ કરી હતી.
આણંદના ઇસ્માઇલનગરના બિસ્મિલ્લા સોસાયટીમાં રહેતો મોહંમદયાસીન ઉર્ફે રાજુ મચ્છીએ રવિવારની રાત્રિના દસેક વાગે ઘરની બહાર જાહેરમાં ગેરકાયદેસર હથિયાર વડે હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ અંગે પોલીસે સ્થળ પરથી મોહંમદ યાસીન ઉર્ફે રાજુ મચ્છી અબ્દુલકાદર બાબુભાઈ શેખ (ઉ.વ.40, રહ, બિસ્મિલ્લા સોસાયટી, આણંદ)ની અટક કરી હતી. બાદમાં રાજુ મચ્છીને સાથે રાખી તેના ઘરની ઝડતી લેવામાં આવી હતી. જેમાં લોખંડની તિજોરીના ડ્રોવરમં કાળા રંગની પ્લાસ્ટીકની કોથળીમાં છુપાવેલી દેશી હાથ બનાવટની મેગજીન સહિત પિસ્તોલ, ચાર જીવતા કારતુસ મળી આવ્યાં હતાં. આ ઉપરાંત બીજી તિજોરીમાંથી પણ પિસ્તોલ મળી આવી હતી. આ અંગે મોહમંદયાસીન ઉર્ફે રાજુ મચ્છી પાસે કોઇ લાયસન્સ મળી આવ્યું નહતું. આથી, સ્થળ પર જ કાર્યવાહી કરતાં મોહમંદયાસીનની અટક કરી તેની પાસેથી રૂ.એક લાખનો મોબાઇલ મળી કુલ રૂ.1.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે રાજુ મચ્છીએ કબુલ્યું હતું કે, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ પુરી થતાં ભારતનો વિજય થતાં ફટાકડાં ફૂટવાનો અવાજ આવતો હતો. જેથી જુસ્સામાં આવી મેં પિસ્તોલ લઇ ઘરની બહાર આવેલા બાંકડા પર બેસી હવામાં બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. બાદમાં ઘરે જઇને તિજોરીમાં પિસ્તોલ મુકી સુઇ ગયો હતો. આથી, એલસીબીએ ઘટના સ્થળે પણ સર્ચ કરતાં બાકડા નજીકમાં જમીન પર ફુટેલા રાઉન્ડનો 2 કારતૂસ મળી આવ્યાં હતાં. આ અંગે મોહંમદયાસીન ઉર્ફે રાજુ મચ્છી અબ્દુલકાદર બાબુ શેખ અને હથિયાર પુરૂ પાડનાર શખ્સ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જોકે, તેના રિમાન્ડ નામંજુર થતા જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

Most Popular

To Top