આણંદમાં સ્માર્ટ મીટરને લઇ વિરોધ યથાવત
વિદ્યા ડેરી રોડની સોસાયટીની બહેનોએ વીજ કંપનીની કચેરીમાં હલ્લા બોલ કર્યો
(પ્રતિનિધિ) આણંદ તા.20
આણંદ શહેરમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે દિવસે વધી રહયો છે. તેમાંય સોમવારના રોજ વિદ્યા ડેરી રોડની સોસાયટીના બહેનો વીજ કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને મીટર તાત્કાલિક બદલી આપવા માગણી કરી છે. આ બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, સ્માર્ટ મીટરથી દરરોજ દોઢ સોથી વધુનું રિચાર્જ કરાવવું પડે છે. જે અગાઉ કરતાં અનેક ગણુ વધુ છે.
આણંદ શહેરમાં સ્માર્ટ મીટરની લઇ લોટીયા ભાગોળ વિસ્તારમાં કોન્ટ્રાક્ટરના માણસોને પરત કાઢવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સ્માર્ટ મીટરનો રાજ્ય વ્યાપી વિરોધ થઇ રહ્યો છે. લોકોના વપરાશ કરતાં વધુ રકમ કપાતી હોવાની બુમો ઉઠી છે. તેમાંય સોમવારના રોજ વિદ્યા ડેરીની સોસાયટીના બહેનોએ વીજ કંપની ખાતે હલ્લાબોલ કર્યો હતો.
આણંદ શહેરના વિદ્યા ડેરી રોડ પર આવેલી કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતા બહેનો વીજ કંપનીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો. આ બહેનોએ આક્ષેપ કર્યો હતો કે, વિદ્યા ડેરીની કૃષ્ણ પાર્ક સોસાયટીમાં સ્માર્ટ મીટર નાંખવામાં આવ્યા છે. આ મીટરમાં તોતિંગ રિચાર્જ કરાવવું પડી રહ્યું છે. દિવસના દોઢ સો થી પોણા બસ્સો રૂપિયા કપાય જાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, રૂ.1200 માઇનસ દેખાડતા તાત્કાલિક રૂ.3500નું રિચાર્જ કરાવ્યું છતાં સ્થિતિ જેમની તેમ જોવા મળી હતી. આ હોબાળાના પગલે વીજ કંપનીના અધિકારીઓ પણ બચાવ પક્ષમાં આવી ગયાં હતાં.