આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરમસદમાં કાર્યવાહી : 145 સીમકાર્ડ જપ્ત કરાયાં
નાપાડ વાંટાના બે અને કરમસદનો યુવક પકડાયો
દુબઇમાં રહેતા કરમસદના યુવકે સીમકાર્ડ મંગાવ્યાં હતાં
(પ્રતિનિધિ) આણંદ તા.11
આણંદના કરમસદ ગામમાં રહેતો શખ્સ જુદા જુદા નામના 145 જેટલા સીમકાર્ડ એક્ટીવ કરાવી તેને દુબઇ લઇ જવાની ફિરાકમાં હતો. પરંતુ એસઓજીએ બાતમી આધારે દરોડો પાડી તેને પકડી લીધો હતો. તેની પુછપરછમાં નાપાડ વાંટાના બે શખ્સના નામ ખુલ્યાં હતાં. જેથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સીમકાર્ડ દુબઇ રહેતા કરમસદના યુવકને પહોંચાડવાનું ખુલતાં ચારેય સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સ્થળ પરથી સીમકાર્ડ ઉપરાંત ડેબીકાર્ડ, ક્રેડિટ કાર્ડ પણ મળ્યાં હતાં.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, કરમસદના રામદેવપીર મંદિર પાછળ આવેલા સોમાભાઈ રેસીડેન્સી, મકાન નં.27માં રહેતો ચિરાગ સુરેશ સોલંકી અલગ અલગ વ્યક્તિઓના નામ, સરનામાવાળા એક્ટીવ કરેલા સીમકાર્ડનો જથ્થો દુબઇ લઇ જવા માટે પોતાના ઘરે રાખેલા છે. આ બાતમી આધારે પોલીસે ટીમ બનાવી 10મી એપ્રિલની મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ચિરાગ સોલંકી મળી આવ્યો હતો અને તેના ઘરની ઝડતી કરતાં બેડરૂમમાં આવેલા કબાટમાંથી અલગ અલગ 145 સીમકાર્ડ તેમજ વિવિધ બેંકના અલગ અલગ નામવાળા ક્રેડિટ તેમજ ડેબીટ કાર્ડ મળી આવતાં ટીમ ચોંકી ગઇ હતી.
આ અંગે ચિરાગ સોલંકીની અટકાયત કરી આગવીઢબે પુછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, આ એક્ટીવ સીમકાર્ડ અલગ અલગ નામ, સરનામાવાળા વ્યક્તિઓના છે. આ સીમકાર્ડ નાપાડ ગામના સમર શહીદખાન રાઠોડ, જૈનુલઓબેદ્દીન રણજીત રાઠોડ મારફતે રૂ.1250માં અલગ અલગ નામ – સરનામાવાળા વ્યક્તિની જાણ બહાર એક્ટિવ કરવામાં આવ્યાં છે. આ કાર્ડ દુબઇ મોકલવાનાં હતાં. જ્યાં ઓનલાઇન ગેમિંગ ઝોનમાં, સટ્ટા બેટીંગમાં સીમકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્ડ જૈમિન ચીમન ઠાકોર (રહે. ગાયત્રી પાર્ક, કરમસદ) નામના શખ્સે દુબઇ ખાતે મંગાવ્યાં હતાં. આ જૈમીનને રૂ.1500માં વેચાણ આપવાનાં હતાં. આ ઉપરાંત ડેબીટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પોતે જાતે દુબઇ ખાતે ઉપયોગ કરતો હોવાનું જણાવ્યું હતું.
આ કબુલાત આધારે પોલીસે ચિરાગ પાસેથી મોબાઇલ, 145 સીમકાર્ડ, 14 જેટલા ડેબીટ- ક્રેડિટ કાર્ડ મળી કુલ રૂ.42,250નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ચિરાગ સુરેશ સોલંકી (રહે. કરમસદ), સમર શહીદખાન રાઠોડ, જૈનુલઆબેદ્દીન રણજીત રાઠોડ (રહે. નાપાડ વાંટા), જૈમીન ચીમન ઠાકોર (રહે. દુબઇ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કોના – કોના નામના ડેબીટ કાર્ડ મળ્યાં ?
આણંદ એસઓજીએ કબજે કરેલા ડેબિટ કાર્ડમાં આકાશકુમાર સોલંકી, ચિરાગ સોલંકી, નિલેશકુમાર પટેલ, ચાંદની સોલંકી, પુષ્પાબહેન સોલંકી, ચિરાગ સોલંકી, નિલેશ પટેલ, મોનીકા પટેલ, બ્રિકેશ ગુપ્તા સહિતના 14 જેટલા ડેબિટ કાર્ડ મળી આવ્યાં હતાં.