આરોગ્ય વિભાગની 450 ટીમ દ્વારા ડેન્ગ્યુ વિરોધી માસ અંતર્ગત મચ્છર નિયંત્રણ અંગે સર્વે કરાયો
આણંદ જિલ્લામાં જાન્યુઆરીથી જુલાઈ માસ સુધી મેલેરીયા અને ડેન્ગ્યુના 21 જેટલા કેસ આણંદ જિલ્લામાં મળી આવ્યા હતા, જેમાં મેલેરિયાના 5 કેસ મળી આવ્યા હતા, જે બાકરોલ, ભરોડા અને આણંદ શહેરમાંથી મળ્યા હતા, જ્યારે ડેન્ગ્યુના કુલ 16 કેસ મળ્યા હતા, જે આણંદ, પેટલાદ, બોરસદ શહેરી વિસ્તાર, સુણાવ, ફાગણી, દેહવાણ, ચીખોદરા, રાજુપુરા અને અડાસ ગામ ખાતેથી મળ્યાં હતાં. આ અંગે હાલ આરોગ્ય વિભાગે સર્વે સહિતની કામગીરી હાથ ધરી હતી.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે જુલાઈ માસમાં ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિપક પરમાર અને જિલ્લા મેલેરીયા અધિકારી ડો. રાજેશ પટેલના આયોજન હેઠળ આણંદ જિલ્લાના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 8 અર્બન આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી.
આણંદ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 450 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ટીમો દ્વારા 7,35,063 ઘરની તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી 7,024 ઘરોમાંથી પોરા મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 19,26,247 પાત્રો તપાસ કરવામાં આવ્યા હતા, તેમાંથી 7,803 પાત્રોમાં પોરા મળ્યા હતા. આ ઉપરાંત શૈક્ષણિક અને જાહેર સંસ્થાઓમાં પોરાનાશક અને મચ્છર નિયંત્રણ અંગેની કામગીરીનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 1400થી વધુ શાળા કોલેજ કેમ્પસમાં સર્વે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 900થી વધુ ધાર્મિક સ્થળો ખાતે, 330થી વધુ ફેક્ટરીઓ ખાતે, સરકારી કચેરીઓ, 725થી વધુ દવાખાના હોસ્પિટલ કેમ્પસ, 255થી વધુ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને 1040 થી વધુ બાંધકામ સાઈટો ઉપર પોરાનાશક અને મચ્છર નિયંત્રણ કામગીરીનો સર્વે કરવામાં આવ્યો હતો.
મેલેરિયા જનજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 8 જેટલી રેલી યોજવામાં આવી હતી. 315 જેટલા જૂથમાં ચર્ચા કરવામાં આવી, 58 જેટલી શિબિર યોજવામાં આવી, સોશિયલ મીડિયાના માધ્યમથી 650 જેટલા મેસેજ કરીને જનજાગૃતિ ફેલાવવામાં આવી અને 35 હજાર બેનર અને પત્રિકાઓના માધ્યમથી પણ જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ ઉપરાંત પોરાનાશકના 30 જેટલા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
આ અંગે ડો. દિપક પરમારના જણાવ્યા મુજબ, 98,059 પાત્રમાં દવા નાંખવામાં આવી હતી અને 11,420 પાત્રો નાશ કરવામાં આવ્યા હતા. જ્યારે 589 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું અને 406 સ્થળો ખાતે પોરા ભક્ષક માછલી નાખવામાં આવી હતી. આ માસ દરમિયાન 1171 જગ્યાઓએ ખાડા ખાબોચિયાઓમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો, આ ઉપરાંત 41,602 વ્યક્તિઓના લોહીના નમુના તપાસ કરવામાં આવ્યા હતા.