વિદ્યાનગરમાં વધુ એક ઓવરસીસે વિદેશ વાંચ્છુ સાથે છેતરપિંડી કરી
સોશ્યલ મિડિયા પરની જાહેરાત જોઇને ગયેલા મહિલાને નાણા ગુમાવવાનો વખત આવ્યો ..
આણંદના મોગરી ગામમાં રહેતા મહિલાએ તેમના પુત્ર અને પુત્રવધુને વર્ક પરમીટ પર લંડન મોકલવા માટે વિદ્યાનગરની ઓવરસીસનો સંપર્ક કર્યો હતો. આ ઓવરસીસના સંચાલકોએ ભેગા મળી 25 લાખની છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત બોગસ સર્ટીફિકેટ બનાવતા પુત્રવધુને 10 વર્ષ માટે રીજેકશન કરી દીધાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
આણંદના મોગરી ગામમાં આવેલા સુકિર્તન બંગ્લોઝમાં રહેતા જલ્પાબહેન મુકેશભાઈ પટેલના ત્રણ સંતાનમાં સૌથી નાનો પુત્ર કુંજ વર્ષ 2023માં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. જ્યારે તેની પત્ની અહીં જ સાસરીમાં રહેતી હતી. આથી, વૈભવીને પણ લંડન મોકલવા માટે જલ્પાબહેને પ્રયત્ન હાથ ધર્યાં હતાં. જેમાં કુંજએ સોશ્યલ મિડિયા પર જાહેરાત જોઇ હતી. આ જાહેરાત અંગે જલ્પાબહેનને જાણ કરતાં તેઓએ જરૂરી માહિતી મેળવી ચાચાસ ટુર્સ એન્ડ ઓવરસીઝ (એફ-4, રાધા મોહન કોમ્પ્લેક્સ, ઇસ્કોન મંદિરની બાજુમાં, મોટા બજાર, વલ્લભ વિદ્યાનગર) ખાતે તેમના પતિ સાથે ગયાં હતાં. આ સમયે ઓફિસમાં કેવિન રાઠોડ, તેની બહેન લોરા રાઠોડ તથા દીવાની પટેલ (રહે. વિનુકાકા માર્ગ, બાકરોલ), ધ્રુવેશ દરજી (રહે. વિદ્યાનગર) મળ્યાં તેઓને વૈભવી અને દીકરા કુંજના લંડન વર્ક પરમીટ વીઝાની વાત કરી હતી. આથી, કેવિન અને લોરાએ જણાવ્યું હતું કે, કુંજ તથા વૈભવી બન્નેને એક સાથે લંડન મોકલવા માંગતા હોય તો પહેલા તમારી પુત્રવધુને લંડન મોકલવા માટેની વર્ક પરમીટ કઢાવી આપીશું. આ વર્ક પરમીટ નીકળી જાય પછી તેના આધારે કુંજની ભારત બોલાવી વૈભવીના ડીપેન્ડન્ટ વિઝા ઉપર કુંજને લંડન મોકલી આપીશું. આમ બન્નેને લંડન મોકલવાનો તેમજ વર્ક પરમીટ માટેનો ખર્ચ કુલ રૂ.25 લાખ થશે.
આ વાતથી જલ્પાબહેન સહમત થયાં હતાં અને આગળની પ્રોસેસ ચાલુ કરી હતી. જોકે, જે તે સમયે એડવાન્સ પેટે રૂ. સાત લાખ સપ્ટેમ્બર-2023માં આપ્યાં હતાં અને તે સમયે હાલ સાત લાખ રૂપિયાની જ વ્યવસ્થા થઇ છે, બીજા પૈસાની વ્યવસ્થા અમે ધીરે ધીરે કરીને આપીશું. પરંતુ દિવાનીએ સાવ આટલા ઓછા રૂપિયામાં વિઝાની પ્રોસેસ ચાલુ કરી શકાશે નહીં. જેથી ધ્રુવેશ દરજીને વિનંતી કરતાં તેઓએ ચર્ચા કરી વૈભવીના પિતા પાસેથી સાત લાખ રોકડા સ્વીકારી લીધાં હતાં અને બાકીના પૈસા ઝડપથી પુરા કરવા જણાવ્યું હતું. જોકે, વ્યવસ્થા થતાં 25 લાખ આપી દીધાં હતાં. આ સમયે કેવિને ભરોસો આપ્યો હતો કે, ટેન્શન ના લેશો વિશ્વાસ કરો તમારૂ કામ વહેલી તકે પુરી થઇ જશે. જોકે, છ મહિના થવા છતાં કામ ન થતાં શંકા ઉઠી હતી. આ અંગે ધ્રુવેશ દરજીને ફોન કરતા તેણે કુંજને જનતા ચોકડી મોકલી આપો હું તેને સમજાવી દઇશ. જેથી કુંજ જનતા ચોકડીએ ધ્રુવેશને મળતાં તેણે ડોક્યુમેન્ટ આપ્યાં હતાં અને જણાવ્યું કે, આ ડોક્યુમેન્ટ અમે આગળ વિઝા ઓફિસમાં આપેલા છે અને વીઝાનું કામ ચાલુ જ છે. આ ડોક્યુમેન્ટ લઇ કુંજ ઘરે આવ્યો હતો અને વૈભવીએ જોતાં આવા કોઇ ડોક્યુમેન્ટ વીઝા સમયે કોઇ આપ્યાં જનથી. તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આવી કોઇ સ્કૂલ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો નથી. મારા નામના બોગસ દસ્તાવેજો બનાવીને આ લોકોએ આપ્યા છે. તેવું જણાવતાં સૌ ચોંકી ગયાં હતાં. આ અંગે વારાફરતી દીવાની તથા ધ્રુવેશને ફોન કરતા તેઓએ રિસિવ કરવાનું બંધ કરી દીધું હતું.
આથી, વિદ્યાનગર ખાતે આવેલી તેમની ઓફિસ ચાચાસ ટુર્સ ટ્રાવેલ્સ ઓવરસીઝ ખાતે ગયાં હતાં. આ ઓફિસ બંધ હાલતમાં હતી. આસપાસમાં પુછપરછ કરતાં માલુમ પડ્યું હતું કે, આ ઓફિસના માલિકોએ લોકોના પૈસા લઇ તેમની સાથે વિશ્વાસઘાત કરી ભાગી ગયાં છે. આમ, ચારેય શખ્સ કેવિન રાઠોડ, લોરા રાઠોડ, દીવાની પટેલ તથા ધ્રુવેશ દરજીએ લંડન વર્ક પરમિટ વિઝા માટે રૂ.25 લાખ રોકડા લઇ પાકો વિશ્વાસ અને ભરોસો આપી પુત્રવધુના બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખોટી રીતે ઉપયોગ કરી લંડન માટે વર્ક પરમિટ વિઝા ન કરી આપી ઠગાઇ કરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે કેવીન, લોરા, દીવાની પટેલ અને ધ્રુવેશ દરજી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.