Charotar

આણંદમાં મશીનરી દ્વારા કાંસની સફાઇ કરવામાં આવી

તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા થઈ મોગરી તરફ જતા કાંસની વરસો સફાઇ થઇ

(પ્રતિનિધિ) આણંદ તા.24

આણંદ શહેરમાંથી પસાર થતાં તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા થઇ મોગરી તરફ જતાં કાંસની સફાઇને લઇ લાંબા સમય પાલિકા અને કાંસ વિભાગ વચ્ચે ખો – ખોની રમત ચાલતી હતી. આખરે આ વરસે આ કાંસની સફાઇ પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને મશીનરીથી સફાઇ કરવામાં આવી હતી.  જોકે, તુલસી ગરનાળા પાસેથી પસાર થતા કાંસમાં સ્થાનિકો દ્વારા કચરો નાખવામાં ન આવે તે માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ આણંદ હેઠળ આણંદ, ઉમરેઠ, પેટલાદ, બોરસદ, આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા 550 કિલોમીટર નોટિફાઇડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. આણંદ તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા થઈ મોગરી તરફ જતો આણંદ મોગરી કાંસ મહદ અંશે આણંદ શહેરમાંથી પસાર થાય છે. જેમાં તુલસી ગરનાળાથી વ્યાયામ શાળા સુધી શહેરી વિસ્તારના કારણે બોક્સ ડ્રેઇન કરવામાં આવેલ છે. જ્યારે વ્યાયામ શાળાથી મોગરી તરફનો કાંસ ખુલ્લો કાંસ છે.

આણંદ શહેરી વિસ્તારના કારણે આ કાંસ ની આજુબાજુ સ્થાનિકો દ્વારા દબાણ કરવામાં આવેલું હોય છે અને આ કાંસ માં બારેમાસ ગંદુ પાણી વહેતું હોય છે જેને કારણે જંગલી વનસ્પતિ  ઉગી નીકળે છે. આમ છતાં આ કાંસની સાફ-સફાઈની કામગીરી સુજલામ સુફલામ જળ સિંચાઈ યોજના હેઠળ કરાવવામાં આવી છે. આ કાંસની સાફ-સફાઈની કામગીરી જ્યાં સુધી મશીનરી પહોંચે છે, ત્યાં સુધી મશીનરી દ્વારા અને જ્યાં મશીનરી પહોંચી શકતી નથી તેવી જગ્યાઓ ખાતે મજૂરો દ્વારા કાંસની સાફ-સફાઈની કામગીરી કરાવવામાં આવી હોવાનું કાર્યપાલક ઇજનેર, આણંદ સિંચાઈ વિભાગ દ્વારા જણાવાયું છે.

Most Popular

To Top