પુરૂષોમાં 46.05 ટકા તથા મહિલાઓમાં 37.33 ટકા મતદાન નોંધાયું
આણંદ.
આણંદ લોકસભા બેઠકની સામાન્ય અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વ્હેલી સવારે પ્રથમ બે કલાકમાં જ મતદાન 10 ટકા ઉપર થયું હતું. જ્યારે બપોર એક વાગ્યા સુધીમાં 41.78 ટકા જેટલુ મતદાન થયું હતું. જોકે, એક વાગ્યા બાદ મતદાનની ગતિધીમી પડી હતી. પરંતુ મોડી સાંજ સુધી રેકર્ડ બ્રેક મતદાન થાય તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી.
આણંદ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોનો ધસારો જોવા મળ્યો છે. રાજ્યમાં રાજકોટ બાદ સૌથી વધુ ચર્ચા આણંદ બેઠકની છે. કારણ કે ભાજપના ઉમેદવાર મિતેષભાઈ પટેલ સામે કોંગ્રેસના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા છે. આ ઉપરાંત જિલ્લામાં ક્ષત્રિય – ઠાકોરની વર્ચસ્વ ધરાવતી આ બેઠક પર બન્ને તરફથી જીતના દાવા કરવા મુશ્કેલ બની ગયાં છે.
આણંદ લોકસભા બેઠકમાં વ્હેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધીમાં જ 10.29 ટકા મતદાન થયું હતું. બાદમાં દિવસ જેમ ચડતો ગયો તેમ ટકાવારી વધતી ગઇ હતી. જે બપોરના એક સુધીમાં 41.78 ટકા સુધી પહોંચી હતી. પરંતુ બાદમાં મતદાનની ગતિ ધીમી પડી હતી. આથી, બન્ને પક્ષો દ્વારા લોકો ગરમીમાં ઘરમાં જ ન રહે તે માટે તેમને બુથ પર લઇ જવા માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી.
આંકડા જોઈએ તો સૌથી વધુ મતદાન આંકલાવમાં 45.08 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન ખંભાત બેઠક પર 38.41 ટકા થયું હતું.