આણંદ શહેરના અમીના મંજીલ પાસે અંડર ગ્રાઉન્ડ ગરનાળુ બનાવતા સમયે અકસ્માત
ભેખડ નીચે દબાયેલા મજુરોને તાત્કાલીક બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં
(પ્રતિનિધિ) આણંદતા.21
આણંદ શહેરના અમીના મંજીલ નજીક રેલવે ગરનાળાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મંગળવારના રોજ બપોરના સુમારે અચાનક ભેખડ ધસી પડતાં મજુરોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે તે પહેલા બે મજુરો દટાઇ ગયાં હતાં. આથી, બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મજુરોને બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી.
આણંદ શહેરના અમીના મંજીલ વિસ્તારમાં રહિશો સરળતાથી અવર જવર કરી શકે તે માટે અંડર ગ્રાઉન્ડ રેલવે ગરનાળાની કામગીરી મંજુર કરવામાં આવી છે. જે કામગીરી સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી ગરનાળુ બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંગળવારની બપોરે માટની ભેખડ ધસી પડી હતી. જેના કારણે કામ કરી રહેલા મજુરોમાં દોડધામ મચી હતી. પરંતુ બે મજુરો ભેખડ નીચે આવી જતાં હોહા મચી ગઈ હતી. આ ઘટનાના પગલે આસપાસના રહિશો તુરંત દોડી આવ્યા હતા અને માટી દુર કરી બન્ને મજુરોને બહાર કાઢી સારવાર માટે 108માં કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની ગંભીરતાના પગલે રેલવેના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં.
આ અંગે રેલવે પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં માટીની ભેખડ ધસી પડવાથી સુભાષ અને પાયલ નામના બે મજુર દટાઇ ગયાં હતાં. જ્યારે સુપરવાઇઝરને ઢેફુ વાગતા ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.