આણંદની શિવ ઓવરસીઝમાં બોગસ માર્કશીટનું કૌભાંડ પકડાયું
પખવાડિયા પહેલા પોલીસે દરોડો પાડી મોબાઇલ અને લેપટોપમાં માર્કશીટ પકડી પાડી હતી
ઉત્તરાખંડની યુનિવર્સિટીમાં ખરાઇ કરવા મોકલતાં બોગસ માર્કશીટ હોવાનું ખુલ્યું
(પ્રતિનિધિ) આણંદ તા.6
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે શહેરની વેન્ડોર ચોકડી પરના શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં આવેલી શીવ ઓવરસીઝની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે શખ્સને બોગસ માર્કશીટ બનાવવાના કૌભાંડમાં પકડી પાડ્યાં હતાં. આ શખ્સો વિદેશ વાંચ્છુ પાસેથી નાણા લઇ માંગો તે માર્કશીટ બનાવી આપી તેમને વિદેશ મોકલતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે પોલીસે કુલ ત્રણ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. વાઘેલા સહિતની ટીમને બાતમી મળી હતી કે, શહેરની વેન્ડોર ચોકડી ખાતે આવેલા શ્રીનાથજી શોપીંગ સેન્ટરમાં અંકિત પટેલ નામનો શખ્સ શીવ ઓવરસીઝ નામની એજન્સી ચલાવે છે અને વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ, દસ્તાવેજો આધારે વિદેશ મોકલી આપે છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઓફિસમાં અંકિતકુમાર ગોપાલ પટેલ (રહે. પટેલ ખડકી, ઉમરેઠ) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને વિદેશ મોકલવા અંગેના વિઝા અંગેનું કામ કરતાં હોવાનું કબલ્યું હતું. આથી, પોલીસે ઓફિસના ટેબલ પર પડેલા લેપટોપ અને મોબાઇલ કબજે કર્યાં હતાં. જેની તપાસ કરતાં જુદા જુદા રાજ્યની અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના સર્ટીફિકેટ, માર્કશીટની ફોટોકોપી તેમજ સ્કેન કરેલી સોફ્ટકોપીઓ મળી આવી હતી. આ અંગે અંકિત પાસે કોઇ સંતોષકારક જવાબ નહતો. આથી, પોલીસે સ્થળ પરતી 65 હજારનો મુદ્દામાલ કબજે કરી આણંદ ટાઉન પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી હતી. આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે જપ્ત કરેલા લેપટોપમાં મળેલા માર્કશીટ તેમજ સર્ટીફિકેટ બાબતે પુછપછર કરતાં અંકિત પટેલે કબલ્યું હતું કે, ધવલ મોહન પટેલ (રહે. ચુણેલ, તા. મહુધા)ની ભાગીદારીમાં એક વર્ષથી શીવ ઓવરસીઝ નામની એજન્સી ચલાવતાં હતાં. આ માર્કશીટ અને સર્ટીફિકેટ વડોદરાના જીગર રમેશ ગોગરા મોકલી આપતાં હતાં. તેઓ વિદેશ જવા માટેના ગ્રાહકો તેમજ વિદેશ ગયેલા માણસોને મોકલી આપતાં હતાં. આ માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્કશીટ સર્ટીફિકેટ દેખાતા હોવાનું અને યુનિવર્સિટીઓમાં પરીક્ષામાં સેટીંગ કરાવી સાચી માર્કશીટ હોવાનું કહીને તેમની પાસેથી માર્કશીટ દીઠ રૂ.1.40 લાખથી રૂ.1.70 લાખ સુધીની રકમ મેળવતાં હતાં. આથી, કેટલીક માર્કશીટ ખરાઇ કરવા મોકલી આપી હતી. જેમાં તે બોગસ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. આ રિપોર્ટ આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અંકિત ગોપાલ પટેલ (રહે.પટેલ ખડકી, નવી અરડી, ઉમરેઠ), ધવલ મોહન પટેલ (રહે. ચુણેલ, મહુધા) અને જીગર રમેશ ગોગરા (રહે.સરોજ પાર્ક, ગોરવા, વડોદરા) સામે ફરિયાદ આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.