સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને મનપાએ ₹1 લાખનો દંડ ફટકારાયો
દસ દિવસમાં દસ્તાવેજો રજૂ કરવા આદેશ, અન્યથા બિલ્ડિંગ સીલ કરાશે

પ્રતિનિધિ) આણંદ તા.18
કરમસદ – આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે આણંદ શહેરની બે જાણીતી હોસ્પિટલોમાં આકસ્મિક તપાસ હાથ ધરી જરૂરી પરવાનગીઓના અભાવે રૂ. એક લાખનો વહીવટી દંડ ફટકારતા તબીબી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કરમસદ – આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહિંસા ચોક પાસે આવેલી સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ પરની સંજીવની હોસ્પિટલ ખાતે તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલના સંચાલકો પાસે બાંધકામ મંજૂરી, મંજૂર થયેલા પ્લાન, બીયુ પરમિશન અને ફાયર એનઓસી અંગેની ચકાસણી કરતા તેમની પાસે સક્ષમ ઓથોરિટીની કોઈ પરવાનગી ન હોવાનું બહાર આવ્યું હતું.
આથી, ‘ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ 1949’ની જોગવાઈઓના ભંગ બદલ બંને હોસ્પિટલોના માલિકો પાસેથી રૂ. એક લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બંને હોસ્પિટલના સંચાલકોને 10 દિવસની નોટિસ પાઠવી તમામ જરૂરી પરવાનગીઓ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. ત્યાં સુધી બિલ્ડિંગનો વપરાશ ન કરવા તાકીદ કરવામાં આવી છે. જો નિયત સમયમર્યાદામાં પરવાનગીઓ મેળવવામાં નહીં આવે, તો મહાનગરપાલિકા દ્વારા આ મિલકતોના વપરાશ પર પ્રતિબંધ મૂકીને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવી કડક સૂચના પણ આપવામાં આવી છે.