Charotar

આણંદમાં બીએમડબલ્યુ ટક્કરે મહિલાનું મોત

નેશનલ હાઈવે પર ચરોતર સીએનજી ગેસ પાસે અકસ્માત સર્જાયો

(પ્રતિનિધિ) આણંદ તા.17

આણંદ પાસેના નેશનલ હાઈવે પર પુરપાટ ઝડપે જતી બીએમડબલ્યુ કાર ચાલકની બેદરકારીથી રોડ ક્રોસ કરી રહેલી મહિલા હડફેટે ચડી જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. આ અંગે શહેર પોલીસે ચાલકની અટક કરી પુછપરછ હાથ ધરી છે.

આણંદ શહેર પોલીસ મથકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટ  16મીની રાત્રે ફરજ પર હતા, તે દરમિયાન નેશનલ હાઈવે પર ચરોતર સીએનજી ગેસ પંપ પાસે અકસ્માત થયાની જાણ થઇ હતી. આથી, તેઓ સ્થળ પર પહોંચ્યાં તે સમયે નડિયાદથી વડોદરા તરફ જવાના રસ્તા પર અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આથી, તેને આણંદ નગરપાલિકા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જ્યારે અકસ્માત અંગે તપાસ કરતાં બ્રહ્મલાલ લજ્જારામ શર્મા (રહે. કરમસદ) નામનો શખ્સ પોલીસ મથકે હાજર થયો હતો અને પોતે બીએમડબલ્યુ કાર નં.જીજે 23 સીજી 0099 લઇ નડિયાદથી આણંદ તરફ આવતા સમયે રેલીંગ કુદી મહિલા આવી જતાં અકસ્માત સર્જાયો હોવાની કબુલાત આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે હાલ બ્રહ્મલાલ શર્મા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top