Charotar

આણંદમાં ફરજ પર બેદરકારી બદલ 4 પોલીસ કર્મી સસ્પેન્ડ

સબજેલ ખાતે ચેકીંગ દરમિયાન મંજુરી વગર 3 મહિલા મળી આવી

(પ્રતિનિધિ) આણંદ તા.18

આણંદ સ્થિત સબજેલમાં વીસેક દિવસ પહેલાં ઉચ્ચ અધિકારીની તપાસ દરમિયાન રાત્રિના સમયે મંજુરી વગર 3 મહિલા મળી આવી હતી. આ અંગે જિલ્લા પોલીસ વડાએ ફરજ પરના ચાર પોલીસ જવાનને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ જિલ્લામાં આવેલી સબ જેલમાં અવાર નવાર સરપ્રાઇઝ ચેકીંગ કરવા માટે અધિકારીઓને સુચના આપી છે. જે અન્વયે 27મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલના સુપરવિઝન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. સોલંકી, એચ.એચ. પરમાર દ્વારા આણંદ સબજેલની સરપ્રાઇઝ વિજીટ કરવામાં આવી હતી. આ વિજીટ દરમિયાન સબજેલમાં 3 મહિલા હાજર જોવા મળી હતી. જે અંગે પુછપરછ કરતાં કોઇ પણ સક્ષમ અધિકારીની મંજુરી વગર અનઅધિકૃત રીતે સબજેલમાં આરોપીઓને મળવા માટે પ્રવેશ કર્યાનું જણાઇ આવ્યું હતું. આ બાબત ખૂબ જ ગંભીર હોઇ જેલગાર્ડની ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે બહારના માણસોને જેલમાં પ્રવેશ આપી એક જવાબદાર પોલીસ કર્મચારી તરીકેની ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવી હતી. આથી, જેલગાર્ડ પરના હેડ કોન્સ્ટેબલ ભાનુભાઈ અંબાલાલ, હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ નારણભાઈ, કોન્સ્ટેબલ શેતલકુમાર દિનેશભાઈ અને કોન્સ્ટેબલ દક્ષેશકુમાર હિમતભાઈ એમ ચારેય પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડાએ ફરજ મોકુફીનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top