આણંદના વ્હેરાખાડી ગામમાં વ્હેલી સવારે તબેલામાં મળેલી યુવકની લાશ બાબતે પડોશમાં રહેતાં દંપતીની ધરપકડ
આણંદ લોકલ ક્રાઇમ બ્રાચ સહિતની ટીમ દ્વારા શંકાનાં આધારે સઘન પૂછપરછ કરતા દંપતી ભાંગી પડ્યું
(પ્રતિનિધિ) આણંદ તા.10
આણંદના વ્હેરાખાડી ગામમાં રહેતા 38 વર્ષિય યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અંગે સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા પડોશમાં રહેતા દંપતીની જ સંડોવણી ખુલી હતી. આ કેસમાં મૃતક યુવક પડોશમાં રહેતી પરિણીતાને પ્રેમસંબંધ બાંધવા પરેશાન કરતો હતો. આથી, કંટાળી પરિણીતાના પતિ સહિતના 3 વ્યક્તિને વ્હેલી સવારે તબેલામાં પશુ દોહવા આવતાં જ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આણંદના વ્હેરાખાડી ગામમાં રહેતાં સાજીદશા છોટુશા દિવાનના પાંચ ભાઇએ ભેગા મળી ખેતરમાં પશુનો તબેલો બનાવ્યો છે. આ તબેલાનુ બધુ કામકાજ સાજીદશાનો નાનો ભાઇ નબીશા કરતો હતો. જે દિવસ દરમિયાન તબેલાવાળા ખેતરમાં રહેતો હતો. દરમિયાનમાં 9મીની સાંજના નબીશા બાઇક લઇને તબેલા પર પશુ દોહવાનો સમય થયો હોવાથી તબેલા પર ગયો હતો. તે દરરોજ આઠ – નવેક વાગે ઘરે આવી જતો હતો. પરંતુ 9મીની રાત્રિના મોડા સુધી ઘરે આવ્યો નહતો. આથી, સાજીદશા તેની તપાસ કરતાં તબેલા પર પહોંચ્યાં હતાં. જ્યારે ઓરડીમાં જોતા નબીશા ઉંધો પડેલો હતો અને નજીક જઇ જોતા તેનું માથું આખું છુંદાઇ ગયું હતું. તેના માથામાં બોથડ પદાર્થના ઘા મારેલા હતાં. તેના બન્ને હાથ છાતી અંદર નીચે દબાઇ ગઇ હતી. જેના ડાબા હાથનું કાંડુ પણ કપાઇ ગયું હતું. આ દ્રશ્ય નિહાળી ચોંકી ગયેલા સાજીદશાએ તુરંત પરિવારના અન્ય સભ્યોને જાણ કરતાં તેઓ પણ તબેલા પર પહોંચ્યાં હતાં. આ અંગે ખંભોળજ પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. આ અંગે પોલીસે સાજીદશાની ફરિયાદ આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની તપાસ અર્થે આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. બ્રહ્મભટ્ટ સહિતની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જ જાણભેદુ વ્યક્તિ દ્વારા જ હત્યા કરાઇ હોવાની શંકા ગઇ હતી. આથી, આસપાસના રહિશોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત એફએસએલ તથા ડોગ સ્કવોર્ડની મદદ લઇ બનાવ સ્થળની બાજુમાં રહેતા દંપતી પર શંકા ગઇ હતી. આથી, દંપતીની આગવીઢબે પુછપરછ કરતાં તે ભાંગી પડ્યાં હતાં અને નબીશાની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. આ કબુલાત આધારે પોલીસે જયદીપ ઉર્ફે જગો રમણ ઠાકોર (ઉ.વ.36) અને તેના પત્ની ભાવનાબહેન (ઉ.વ.32) બન્નેની ધરપકડ કરી હતી. જ્યારે જયદીપના મિત્રની પણ સંડોવણી ખુલી હોવાથી પોલીસે તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.
નબીશા ચાર- પાંચ મહિનાથી પરેશાન કરતો હતો
વ્હેરાખાડી ગામમાં યુવકની ક્રૂર હત્યા સંદર્ભે પોલીસે જયદીપ અને તેના પત્ની ભાવનાબહેનની ધરપકડ કરી છે. જેમની પૂછપરછમાં નબીશા છેલ્લા ચાર – પાંચ મહિનાથી ભાવનાબહેનને હેરાન પરેશાન કરતો હતો. પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આથી, કંટાળી જયદીપે તેના મિત્ર અને પતિ સાથે મળી હત્યાને અંજામ આપ્યો હતો.
ડોગ સ્કવોર્ડ અને લોહીના ટપકાંથી દંપતી પર શંકા ઉપજી
આણંદ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા સ્થળ તપાસ કરતાં નબીશાના લોહીના ટપકાં જયદીપના ઘર તરફ દોરી જતાં હતાં. આ ઉપરાંત ડોગ સ્કવોર્ડની તપાસમાં પણ વારંવાર જયદીપના ઘર તરફ દોરી જતાં હતાં. આથી, પોલીસે જયદીપ અને તેના પત્ની ભાવનાબહેનની અટક કરી પુછપરછ કરી હતી.
