નાવલી – આસોદર રોડ પર અકસ્માત સર્જાયો..
આણંદના નાવલી – આસોદર રોડ પર નર્સરી સામે પુરપાટ ઝડપે જતી બાઇકે યુવકને ટક્કર મારતાં તેનું મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના નાવલી ગામમાં આવેલી પંકજ પોલટ્રી ફાર્મમાં રહેતા વિષ્ણુભાઈ બલ્લુભાઈ પરમાર (ઉ.વ.આ.27) 22મી ઓગષ્ટના રોજ કામ અર્થે નાવલી ગામમાં ગયાં હતાં. જ્યાંથી સાંજના પોણા છએક વાગે પરત ફરતા સમયે પોલટ્રી ફાર્મ બહાર જ નાવલી – આસોદર રોડ પર નર્સરી સામે અકસ્માત થયો હતો. આ અંગે તેમના પત્ની દક્ષાબહેનને જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળ પર પહોંચ્યાં હતાં. આ સમયે વિષ્ણુ રોડ પર પડ્યો હતો અને બાજુમાં બાઇક પડેલું હતું. વિષ્ણુને ગંભીર ઇજા પહોંચતા તે બેભાન થઇ ગયો હતો. આ અંગે આસપાસમાં પુછતાં બાઇક નં.જીજે 6 એમઇ 9229ના ચાલકની બેદરકારીથી અકસ્માત સર્જાયો હતો. વિષ્ણુ નાવલી તરફથી ચાલતા આવતો હતો તે વખતે બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી. આ ટક્કરથી બાઇક ચાલક પણ ફસડાતાં તેને ઇજા પહોંચી હતી. જોકે, 108ની ટીમ આવતાં વિષ્ણુને સારવાર માટે પ્રથમ આણંદ જનરલ હોસ્પિટલ જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન વિષ્ણુનુ મૃત્યું નિપજ્યું હતું. આ અંગે દક્ષાબહેનની ફરિયાદ આધારે આણંદ ગ્રામ્ય પોલીસે બાઇક ચાલક સામે ગુનો નોંધ્યો હતો.