Charotar

આણંદમાં તમાકુના વેપારીઓ સીજીએસટી સામે રસ્તા પર ઉતર્યાં

આણંદ જિલ્લામાં સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની પજવણી વધતાં વેપારીઓમાં રોષ ભડક્યો

તમાકુની ખળી પર ડ્રાઇવના બહાને આવી રેડ જેવું વાતાવરણ ઉભુ કરી વેપારીઓને ડરાવવા – ધમકાવવામાં આવે છે

વેપારીના કોમ્પ્યુટર, લેપટોપ પણ જપ્ત કરી સીસીટીવી કેમેરા બંધ કરી હેરાન કરી ખૂબ મોટી લાંચની માગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ

(પ્રતિનિધિ) આણંદ તા.11

ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. જેના કારણે અહીં તેનો વેપાર ફુલ્યો ફાલ્યો છે. પરંતુ જીએસટી અમલમાં આવ્યાં બાદ તમાકુના વેપારીઓની માઠી બેઠી છે. ખાસ કરીને સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓની વધતી કનડગતથી વેપારીઓ રસ્તા પર આવી ગયા છે અને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ચરોતર તમાકુ પકવતો પ્રદેશ છે. તેનો મુખ્ય રોકડીયો પાક તમાકુ છે, અહીંયાથી અન્ય રાજ્યો, વિદેશમાં પણ તમાકુની નિકાસ થાય છે. પરંતુ તમાકુનો વેપાર કરતા વેપારીઓ જીએસટીના અધિકારીઓની કનડગતથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તમાકુના વેપારી 2017થી ટાર્ગેટ બનાવ્યાં હોય તેમ જીએસટીના અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. વેપારીની ઓફિસ કે તમાકુની ખળી પર ડ્રાઇવના બહાને આવી રેડ જેવુ વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. બાદમાં ઓફિસ કે ખળીના તમામ દરવાજા બંધ કરી અને વેપારીને ડરાવી ધમકાવી રાઇટ ટુ પ્રીવેસી એક્ટનું ઉલ્લંઘન કરી મોબાઇલ જમા કરી લેવામાં આવે છે. આ ઉપરાંત કોમ્પ્યુટર, લેપટોપ પણ જપ્ત કરી સીસીટીવી કેમેરા બંધ કરી હેરાન કરી ખૂબ મોટી લાંચની માગણી કરવામાં આવે છે. જો લાંચ આપવાની ના પાડે તો ખોટી રીતે કેસ કરીને 200 ટકા પેનલ્ટી ભરાવવાની અને સંશોધન ન થયેલા હોય તેવા કાયદાઓ બતાવી કેસ કરવાની, સીલ મારી દેવા સુધીની ધમકીઓ આપવામાં આવી રહી હોવાના વેપારીઓને આવેદનપત્રમાં આક્ષેપ કર્યાં છે.

આ અંગે વેપારીએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, તમાકુ અનેક પ્રકારની હોય છે. જેની અધિકારીઓને જાણ હોતી નથી. જેના કારણે ખૂબ મોટી ગેરસમજો ઉભી થતી હોય છે. તમાકુના જીએસટી બાબતે તમાકુ પકવતા ખેડૂત, વેપારી અને તમાકુના વિષયે સંપૂર્ણ જાણકારી ધરાવતા તજજ્ઞોને સાથે બેસાડી, ચર્ચા વિચારણા કરી તમાકુ બાબતે સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ તમાકુ પર લગતા જીએસટી અંગે સંશોધન કરવામાં આવે. જેથી તમાકુથી અજાણ અધિકારીઓ ખોટી કનડગત કરતા અટકે અને ભ્રષ્ટ અધિકારીઓ પોતાની મનમાની ન કરી શકે. આ તબક્કે વેપારીઓએ ચિમકી ઉચ્ચારી હતી કે, માગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ચરોતર પ્રદેશના તમામ ખેડૂતો સાથે વિશાળ આંદોલન કરવામાં આવશે.

આરસીએમ ટેક્સના કારણે ખેડૂત અને વેપારી વચ્ચે ઘર્ષણ

ખેડૂત ખરીદી (આરસીએમ)ના કારણે ખેડૂતોમાં ભયનો માહોલ પેદા થયો છે. આરસીએમના કારણે ખેડૂતોના મનમાં ભ્રમ પેદા થયો છે. જે ટેક્સ તમાકુના વેપારીઓ ભરે છે. તે ટેક્સ ખેડૂતોએ ભરવો પડશે. જેથી ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે આરસીએમનો ટેક્સ વેપારીઓ, ખેડૂતો પાસે વસુલી રહ્યા છે. જેનું ખેડૂતો પાસે સરકાર સ્પષ્ટીકરણ કરે અથવા સરકાર ખેડૂત ખરીદી પરથી ટેક્સ હટાવે તે જરૂરી બનયું છે.

ટ્રાન્સપોર્ટર બીકના માર્યે માલ ભરવા તૈયાર થતા નથી

વેપારીઓએ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, એન્ફોર્સમેન્ટના કારણે સમાન પીનકોડ નંબર પર ઇ-વે બીલની જરૂરિયાત ન હોવા છતાં ટ્રાન્સપોર્ટર બીકના માર્યા માલ ભરવા તૈયાર થતાં નથી. લોકલ ટ્રાન્સપોર્ટમાં ઇ-વે બીલની જરૂરિયાત હોતી નથી. પરંતુ એન્ફોર્સમેન્ટના અધિકારીઓ ટ્રાન્સપોર્ટરને ખોટી રીતે હેરાન કરી લાંચ મેળવવા માટે હેરાન કરે છે. જેના કારણે કોઇ પણ ટ્રાન્સપોર્ટર સમાન પીનકોડ પર તમાકુનું ટ્રાન્સપોર્ટ કરવાની ના પાડે છે. જેથી વેપારીને ભારે નુકશાન થાય છે.

ટ્રીબ્યૂનલની રચના ન થતાં વેપારીઓના કરોડો ફસાયા

જીએસટીની શરૂઆત 2017માં થઇ હતી. પરંતુ આઠ વર્ષના વ્હાણા વીતી ગયા છતાં ન્યાય પ્રક્રિયા હેતુ ટ્રીબ્યૂનલની સ્થાપના કે રચના કરવામાં આવી નથી. છેલ્લા આઠ વર્ષથી તમાકુના વેપારીઓની દંડ સ્વરૂપે વસુલવામાં આવેલા કરોડો રૂપિયા સરકાર પાસે ફસાયેલા છે. આ અંગે વારંવાર તમાકુના વેપારીઓ દ્વારા તેઓની દંડ સ્વરૂપે ફસાયેલી મૂડી બાબતે સરકાર પાસે ટ્રીબ્યુનલની માગણી કરવામાં આવી છે. તેમ છતાં આજદિન સુધી કોઇ પણ પ્રકારની નોંધ લેવામાં આવી નથી. જેથી તમાકુના વેપારીઓ ખૂબ જ હેરાન પરેશાન થયા છે. આથી, સરકાર પાસે વહેલી તકે ટ્રીબ્યુનલની રચના કરી ન્યાય પ્રક્રિયા કરવા માગણી કરવામાં આવી હતી.

Most Popular

To Top