Charotar

આણંદમાં ડોક્ટરની જાણ બહાર જ પીઆરઓએ લેટરપેડનો ઉપયોગ કર્યો

ડોક્ટરના લેટરપેડ પર અનુભવના બોગસ સર્ટીફિકેટ આપતો કર્મી પકડાયો

વેરિફિકેશન માટે મેઇલ આવતા ડોક્ટર ચોંકી ગયાં

આણંદ | આણંદ શહેરની સ્વસ્તિક હોસ્પિટલમાં પીઆરઓ તરીકે ફરજ બજાવતા શખ્સે ડોક્ટરની જાણ બહાર જ તેમના લેટરપેડ પર ડોક્ટરની બોગસ સહી કરી અનેક વ્યક્તિને અનુભવના અને સારવારના સર્ટીફિકેટ આપ્યાં હતાં. જોકે, હાલમાં એક મેઇલમાં વેરિફિકેશન આવતા સમગ્ર કૌભાંડની ડોક્ટરને જાણ થઇ હતી. આ અંગે પીઆરઓની પુછપરછ કરતાં તેણે કબુલાત આપી હતી. જેના પગલે પોલીસે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આણંદ શહેરના એએલટીએઆર એપાર્ટમેન્ટમાં રહેતા ડો. રવિ દામજીભાઈ વરમોરાએ વર્ષ 2020થી ભાલેજ રોડ પર સ્વસ્તિક હોસ્પિટલ શરૂ કરી હતી. તેમની હોસ્પિટલમાં નર્સીંગ, મેડિકલ સહિત 25 કર્મચારી ફરજ બજાવે છે. જેમાં પીઆરઓ તરીકે કેયુર જગદીશ પટેલ (રહે. અરજપુરા) છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવે છે. ડો. રવિ વરમોરા 21મી નવેમ્બર,2023ના રોજ હોસ્પિટલ પર હતા તે સમયે એક ઇ-મેઇલ આવ્યો હતો. જેમાં યુકેના વિઝા એન્ડ ઇમિગ્રેશન અધિકારી દ્વારા મિત્તલ જીતેન્દ્રકુમાર પટેલના યુકેના વિઝા મેળવવા માટે અરજી કરી હતી અને તેમાં સ્વસ્તિક હોસ્પિટલના લેટર પેડ પર નોકરીના અનુભવનું સર્ટીફિકેટ વેરીફિકેશન માટે મોકલ્યું હતું.

આ સર્ટિફિકેટ 10મી જુલાઇ,2023ના રોજ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ મેઇલ જોઇ ડોક્ટર ચોંકી ગયાં હતાં. તેમના લેટર પેડનો ઉપયોગ કરી તેમાં ડોક્ટરની ખોટી સહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એક મેઇલ આવ્યો હતો. જેમાં ક્રિષ્નાબહેન રજનીકાંત મેકવાનનું સર્ટીફિકેટ વેરીફિકેશન કરવા માટે કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇઝરાઇલમાંથી આવ્યું હતું. જે સર્ટીફિકેટમાં પણ ડોક્ટરની ખોટી સહી હતી. આ લેટર પેડનો ઉપયોગ કરી હોસ્પિટલના સિક્કાનો ઉપયોગ કરી ઇશ્યુ કરવામાં આવ્યાં હતાં. જેથી આ બાબતે તપાસ કરતાં હોસ્પિટલના પીઆરઓ તરીકે ફરજ બજાવતા કેયુર જગદીશ પટેલ પર શંકા ઉઠી હતી. જોકે, તેણે કબુલાત કરી હતી અને જોય વાઘેલા, નિશાબહેન તથા ગૌત્તમભાઈના ખોટા સર્ટીફિકેટ બનાવ્યાં હોવાનું લેખિતમાં આપ્યું હતું. આમ, કેયુરનો ભાંડો ફુટતાં તેને 22મી ફેબ્રુઆરી, 2024થી હોસ્પિટલમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. આ અંગે ડો. રવિ દામજીભાઈ વરમોરાએ આણંદ શહેર પોલીસ મથકે કેયુર જગદીશ પટેલ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top