આણંદમાં ત્રણ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવતીએ અચાનક જીવન ટુંકાવ્યું
પતિ સાથે વાતચીત કર્યા બાદ અચાનક પગલું ભરતાં પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) આણંદ તા.14
આણંદ શહેરના આકાર સિટી સેન્ટર કોમ્પ્લેક્સના છઠ્ઠા માળેથી કુદી 24 વર્ષિય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ યુવતીએ ત્રણેક વર્ષ પહેલા સામરખાના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્ન બાદ બન્ને ખાનગી નોકરી કરતાં હતાં. પરંતુ ગુરૂવારની સાંજે કોઇ બાબતે પતિ – પત્ની વચ્ચે વાતચીત થયા બાદ આ પગલાં ભરતાં પરિવારજનો પણ ચોંકી ગયાં હતાં. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદ શહેરમાં રહેતી વિધી (ઉ.વ.24) નામની યુવતીએ થોડા સમય પહેલા અમિત રતિલાલ ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. વિધી એલએલબીનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. આ સમયે તેના કાકાના ક્લિનિકમાં કમ્પાઉન્ડર તરીકે અને સામરખા ગામનાં શકિત ચરામાં રહેતા અમિત રતિલાલ ઠાકોર સાથે પ્રેમમાં પડી હતી. વિધી અને અમિતે ત્રણ વર્ષ પૂર્વે જન્મદિવસનાં આગલા દિવસે જ અમિત સાથે ભાગી જઇ પ્રેમ લગ્ન કર્યા હતાં. બાદમાં સામરખા શકિત ચરા વિસ્તારમાં અમિત ઠાકોર સાથે રહેતી હતી. જોકે, વિધીએ પરિવારની વિરૂદ્ધમાં જઈને લગ્ન કર્યા હોવાથી તેના પરિવારજનોએ સબંધો કાપી નાંખ્યા હતાં.
સૂત્રોના જણાવ્યાનુસાર, વિધી છેલ્લા કેટલાક સમયથી આણંદના વિદ્યાનગર રોડ પર ખાનગી ઓફિસમાં નોકરી કરી હતી. જ્યારે અમિત વિદ્યાનગરમાં હોટલમાં નોકરી કરતો હતો. આ દરમિયાન ગુરૂવાર સાંજનાં સમયે વિધિએ નોકરી પરથી છુટ્યા બાદ અમિતને ફોન કરી સાથે ઘરે જવા કહ્યું હતું. પરંતુ કોઇ કારણસર અમિતે તેને થોડું મોડું થશે. તું રીક્ષામાં બેસી ઘરે જતી રહે. તેમ કહેતાં વિધીને કોઇ બાબતે લાગી આવ્યું હતું અને તે સિધી સરદાર પટેલ રાજમાર્ગ પર આવેલા આકાર સીટી સેન્ટરના છઠ્ઠા માળે પહોંચી ગઇ હતી અને ત્યાંથી છઠ્ઠા માળેથી કુદી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને શહેર પોલીસને જાણ કરી હતી. આ બનાવ અંગે હરિકૃષ્ણ ભાવસારની ખબર આધારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.
