શેરબજારમાં ટ્રેડીંગનું કામ કરતો યુવક રાત્રિના ઓફિસમાં જ રોકાયો હતો
આપઘાત કર્યો કે અકસ્માતે પડ્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી
આણંદ.
આણંદ શહેરના દાંડી માર્ગ પર આવેલી આઈરીસ હોસ્પિટલ પાછળ આવેલા ક્રિષ્ના – એરોન કોમ્પ્લેક્સના ચોથા માળેથી પટકાતાં 43 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હતું. અલબત્ત, આ ઘટના અંગે અનેક તર્ક વિતર્ક ઉઠી છે. મૃતકની કોમ્પ્લેક્સમાં ઓફિસ આવેલી છે અને તે શેરબજારનું કામ કરતો હતો. આ ઘટના વ્હેલી સવારે બની તે પહેલા રાત્રિના ઓફિસમાં જ રોકાયો હતો. હાલ આ અંગે આણંદ શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.
આણંદના બાકરોલ ગામના તુલસી આંગન સોસાયટીમાં રહેતા શ્રેયલ વિનયકુમાર પટેલ (ઉ.વ.43) શેર બજારમાં ટ્રેડીંગનું કામ કરતાં હતાં. શ્રેયલની ઓફિસ આઈરીસ હોસ્પિટલ પાછળ ક્રિષ્ના – એરોન કોમ્પ્લેક્સમાં આવેલી હતી. શ્રેયસ ગુરૂવારના રોજ નિયત સમયે ઓફિસે આવ્યો હતો અને જરૂરી કામ પૂર્ણ કર્યું હતું. પરંતુ મોડી સાંજે તેમના પત્ની ભૂમિબહેન સાથે વાતચીતમાં તેણે ઓફિસમાં કામ હોવાથી રાત્રિ રોકાણ ત્યાં જ કરવા જણાવ્યું હતું. જોકે, વ્હેલી સવારે ભૂમિબહેનને જાણવા મળ્યું કે, શ્રેયલનું કોમ્પ્લેક્સના ચોથા માળેથી પટકાતા મોત નિપજ્યું છે. આથી, તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. આ અંગે પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં શ્રેયલે આપઘાત કર્યો કે અકસ્માતે પડ્યા તે અંગે રહસ્ય ઘુંટાયું હતું. હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારના નિવેદન સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદમાં ચોથા માળેથી પટકાતાં યુવકનું મોત
By
Posted on