Charotar

આણંદમાં એસપી અને એમએસ યુનિવર્સિટીની બોગસ માર્કશીટનું કૌભાંડ પકડાયું

આણંદમાં બોગસ માર્કશીટ થકી વિદેશ મોકલવાનું વધુ એક નેટવર્ક પકડાયું

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરીઝમાં દરોડો પાડ્યો

(પ્રતિનિધિ) આણંદ તા.19

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વિદ્યાનગર રોડ પર આવેલી ઓવરસીઝમાં દરોડો પાડી બોગસ માર્કશીટ બનાવવાનું નેટવર્ક પકડી પાડ્યું હતું. આ શખ્સો વિદેશ વાંચ્છુને એસપી યુનિવર્સિટી, એમએસ યુનિવર્સિટી સહિતના શૈક્ષણિક સંસ્થાઓની બોગસ માર્કશીટ બનાવી આપતાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, આણંદ – વિદ્યાનગર રોડ પર આવેલા ક્રિષ્ના સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલી દુકાન નં.402માં એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝમાં અમદાવાદના સિદ્ધીક શાહ નામનો શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી આપે છે. આ બાતમી આધારે એસઓજીએ ટીમ બનાવી 18મીની બપોરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં એસપી સ્ટડી પ્લાનર એલએલપી ઓવરસીઝની ઓફિસમાં હાજર શખ્સની પુછપરછ કરતાં તે ધીરજ કાકેશ્વરચંદ્ર ભગેલ (રહે.અમદાવાદ) હોવાનું અને ઓફિસમાં બિઝનેસ ડેલપમેન્ટ તરીકે કામ કરતો હોવાનું ખુલ્યું હતું. જોકે, સિદ્ધીક શાહ અંદર કેબીનમાં મળી આવ્યો હતો. આથી, કેબીનમાં તપાસ કરતાં સિદ્ધીક ઉર્ફે રીકી રશ્મિકાંત શાહ (રહે. સાથ એપાર્ટમેન્ટ, અમદાવાદ) તથા બે મહિલા ગુંજન સોમચંદ શાહ (રહે. સમર્પણ રેસીડન્સી, અમદાવાદ) અને અમી સિદ્ધીક શાહ (રહે. સાથ એપાર્ટમેન્ટ, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે સિદ્ધીક શાહની આગવી ઢબે પુછપરછ કરતાં તેણે વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને વિદેશ મોકલવા અંગેના વીઝા અંગેનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે તેની કેબીનમાં અલગ અલગ ફાઇલો મળી આવી હતી. જેની તપાસ કરતાં ગ્રાહકોના સર્ટીફિકેટ, દસ્તાવેજી કાગળો હોવાનું જણાયું હતું. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓના સર્ટીફિકેટ, માર્કશીટ મળી આવી હતી. આ અંગે પુછતાં તેણે કબુલ્યું હતું કે, આ શૈક્ષણિક દસ્તાવેજો જરૂરિયાત મુજબ ભાવિન પટેલ (રહે. અમદાવાદ) અને મેહુલ રાજપુત (રહે. વડોદરા) પાસેથી કુરિયર મારફતે મેળવતા હતાં. આથી, પોલીસે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસે કુલ રૂ.95 હજારનો મુદ્દામાલ જપ્ત કરી રિધ્ધીક ઉર્ફે રીકી રશ્મિકાંત શાહ, ભાવિન પટેલ અને મેહુલ રાજપુત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે 90 ગ્રાહકોના સર્ટીફિકેટ જપ્ત કર્યાં

આણંદ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે વિવિધ ફાઇલો ફંફોસતા 90 જેટલા ગ્રાહકોના દસ્તાવેજો મળી આવ્યાં હતાં. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટી, મહારાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થા, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સર્ટીફિકેટ મળી આવ્યાં હતાં. આ માર્કશીટ બહારના રાજ્યના અલગ અલગ એજન્ટ મારફતે વિઝા પ્રોસેસ કરવા માટે મેળવ્યાં હોવાનું સિદ્ધીકે કબુલ્યું હતું.

Most Popular

To Top