Vadodara

આણંદમાં ઇ-સ્કૂટરના શો રૂમનો સેલ્સમેન ગ્રાહકોના રૂ. 18.38 લાખ ગેમીંગમાં હારી ગયો

વિદ્યાનગર પોલીસે ઓલા ઇલેક્ટ્રીક શો – રૂમમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા સેલ્સમેનની ધરપકડ કરી

(પ્રતિનિધિ) આણંદ તા.23

આણંદમાં આવેલા ઓલા ઇલેક્ટ્રીક શો રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતાં શખ્સે ગ્રાહકોના ઓલા ઇલેક્ટ્રીક સ્કૂટરના બુકીંગના નામે રોકડા તેમજ ઓનલાઇન નાણા મેળવ્યાં હતાં. આ સેલ્સમેને 16 જેટલા ગ્રાહકો પાસેથી રૂ.18.38 લાખ લીધા બાદ નાણા કંપનીમાં જમા કરાવ્યાં નહતાં અને છેતરપિંડી આચરી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતાં ઓનલાઇન ગેમીંગમાં નાણા હારી ગયો હોવાની કબુલાત કરી હતી. જોકે, વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

આણંદ – સોજિત્રા રોડ પર આવેલા સ્વયં સિમ્ફની કોમ્પ્લેક્સના ઓલા સ્કૂટરના શો રૂમ પર સેલ્સમેન તરીકે નોકરી કરતાં અસજાદબેગ જાવેદબેગ મિર્ઝા (રહે. ઉમ્મીદ પાર્ક, ભાલેજ રોડ, આણંદ)એ ઇ સ્કૂટર ખરીદવા આવેલા 16 જેટલા ગ્રાહકો પાસેથી રૂ.18,38,300ની રકમ લીધી હતી. જોકે, અસજાદ મિર્ઝાએ આ રકમ ઓનલાઇન તેમજ રોકડ રૂપે લીધા હતા. જેના બદલામાં ગ્રાહકને કોરા કાગળ પર વિગત લખી પાવતી બનાવતો હતો. જેના પર શો રૂમ પર ઓલા સ્કૂટરની જાહેરાતના પેમ્ફલેટ માટે રબર સ્ટેમ્પ બનાવેલા હતા તે રબર સ્ટેમ્પથી પાવતીમાં સિક્કા મારી સહી કરીને ગ્રાહકને આપી દેતો હતો. આમ કુલ 16 ગ્રાહક પાસેથની નાણા લીધા બાદ કંપનીમાં રકમ જમા કરાવી નહતી અને બનાવટી પાવતી બનાવી ગ્રાહકોને બુકીંગ પેટે આપી છેતરપિંડી આચરી હતી. આ અંગે હોબાળો થયાં બાદ વિદ્યાનગર પોલીસે અસજાદ જાવેદ મિર્ઝા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાનમાં ટેકનીકલ સોર્સ તથા બાતમી રાહે અસજાદને પકડી પાડ્યો હતો. આ શખ્સની પુછપરછ કરતાં તેણે આ રકમ ઓનલાઇન ગેમીંગમાં વાપરી નાંખી હોવાની કબુલાત કરી હતી. જોકે, આ અંગે વિદ્યાનગર પોલીસે બેન્ક સ્ટેટમેન્ટ સહિતની વિગતો ચકાસણી કરવા તથા રકમ ખરેખર ક્યાં વાપરી તેની પુછપરછ માટે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

અસજાદ મિર્ઝા ગુનાહિત ઇતિહાસ ધરાવવા છતાં તેને નાણાકિય કામ કેમ સોંપ્યું ?

આણંદના સિમ્ફની કોમ્પ્લેક્સમાં ઓલા સ્કૂટરના શો રૂમ પર સેલ્સમેન તરીકે ફરજ બજાવતાં અસજાદ મિર્ઝાએ 16 ગ્રાહક સાથે છેતરપિંડી કરી રૂ.18.38 લાખ સેરવી લીધાં હતાં. આ કેસમાં શો રૂમના મેનેજર સહિતનો સ્ટાફ પહેલેથી શંકાના દાયરામાં છે. પરંતુ અગમ્ય કારણોસર પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધ્યો નથી. આ ઉપરાંત મેનેજર દ્વારા પણ આ મામલે નોકર ચોરીની ફરિયાદ કેમ આપવામાં ન આવી તે પ્રશ્નાર્થ છે. તેનાથી પણ આશ્ચર્યજનક બાબત એ છે કે, અસજાદ મિર્ઝા સામે 2015માં ત્રણ ચોરીની ફરિયાદ નોંધાયેલી છે. આમ છતાં તેને નાણાકિય જવાબદારી સોંપી તે અંગે મેનેજરની પુછપરછ થવી જરૂરી બન્યું છે.

Most Popular

To Top