Charotar

આણંદમાં અભ્યાસના દબાણમાં વિદ્યાર્થીનો આપઘાત

ઘરના ઉપરના માળે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ લેતા પરિવારજનો સ્તબ્ધ
આણંદ: આણંદ શહેરની ઉર્મી સોસાયટીમાં રહેતો 14 વર્ષિય વિદ્યાર્થી અભ્યાસના દબાણમાં છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતો અને તેણે પોતાના ઘરે દુપટ્ટાથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેના કારણે પરિવારજનો સ્તબ્ધ બની ગયાં હતાં. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
આણંદ શહેરના જુના સેવા સદન સામે આવેલી ઉર્મી સોસાયટીમાં રહેતા દીપકકુમાર શિવનારાયણ શર્મા અમદાવાદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેઓ અપડાઉન કરે છે. જ્યારે તેમનો પુત્ર શૌર્ય દીપકકુમાર શર્મા (ઉ.વ.14) નવા ધોરણમાં અભ્યાસ કરતો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી શૌર્ય ડિપ્રેશનમાં આવી ગયો હતો. શૌર્યનું વી.સી. પટેલ હાઈસ્કૂલ ખાતે એડમીશન લીધું હતું. જેના કારણે તેનો સ્વભાવ ચીડચીડીયો અને ગુસ્સાવાળો થઇ ગયો હતો. આ ગાળામાં 29મીની રાત્રે અચાનક તેણે પોતાના ઘરે ઉપરના માળે બેડરૂમમાં પાટીયાના બારણાના હેન્ડલ સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ સમયે નીચેના માળે તેના માતા અને બહેન હતાં. તેઓને લાંબા સમયથી શૌર્ય ન દેખાતા ઉપરના માળે તપાસ કરતાં તે ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો. આથી, ચોંકી ગયેલા તેના માતાએ બુમાબુમ કરી હતી અને તુરંત નીચે ઉતારી તેને સારવાર માટે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.
આ બનાવથી પરિવારજનો શોકમગ્ન બની ગયાં હતાં. દીપકભાઈને સંતાનમાં એકનો એક પુત્ર હતો. આ ઘટનાના પગલે આણંદ શહેર પોલીસમાં દીપકકુમાર શર્માએ જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top