Charotar

આણંદનું ગોલ્ડ સિનેમા સીલ કરાયું

રાજકોટની ઘટનામાં અધિકારીઓને જવાબદાર ગણવાના સૂર ઉઠતાં આણંદનું તંત્ર દોડ્યું

કલેકટર દ્વારા તમામ ઉચ્ચ અધિકારીને ફાયર સેફટીના એનઓસી ન હોય તેની સામે કાર્યવાહી કરવા સુચના અપાઈ

(પ્રતિનિધિ) આણંદ તા.28

રાજકોટ ખાતે ગેમઝોનમાં થયેલી દુર્ઘટનાને ધ્યાને લઈ આણંદ કલેકટર પ્રવીણ ચૌધરી દ્વારા જિલ્લામાં આવેલા તમામ ગેમીંગ ઝોનની ચકાસણીના સઘન આદેશ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં આવેલા શોપીંગ મોલ, હોસ્પિટલ, સ્કુલ, કોચિંગ સેન્ટર સિનેમાગૃહ, રેસ્ટોરન્ટ, લોકમેળા, ઉદ્યોગગૃહ, રીસોર્ટ વગેરેની આકસ્મિક તપાસણી કરવા તથા તપાસણી દરમિયાન જો કોઇપણ ક્ષતિ જણાય તો તેને તાત્કાલિક ધોરણે બંધ કરાવવા માટે આદેશ આપ્યો છે. જેના માટે સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટના સુપરવિઝન હેઠળ તાલુકા વાઇઝ મામલતદારની અધ્યક્ષતામાં કમિટીની રચના પણ કરવામાં આવી છે. હાલ ગોલ્ડ સિનેમા સીલ કરી દેવામાં આવ્યું છે.

આણંદ કલેકટરની સૂચના અન્વયે જિલ્લામાં આવેલા ગેમીંગ ઝોન ઉપરાંત શોપીંગ મોલ, સિનેમાગૃહ વિગેરેની તાત્કાલિક તપાસણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રકારની ક્ષતિઓ માલુમ પડતાં તેને તાત્કાલીક અસરથી બંધ કરવા માટે ફાયર ઓફીસર, આણંદ નગરપાલિકાને કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે.

આ તપાસણીમાં વિવિધ સ્થળો પૈકી ગોલ્ડ સિનેમા, વિદ્યાનગર રોડ, આણંદ પાસે ફાયર એનઓસી રીન્યુ થઇ નથી તથા અધિકૃત વ્યક્તિની નિમણૂંક પણ કરાઇ નહતી. જયારે સોજીત્રા રોડ ખાતે આવેલા જમ્પીંગ જેક મારૂતી સોલારસીસ પાસે ફાયર એનઓસી ન હોઇ તેમજ એન્ટ્રી અને એકઝીટ માટે એક જ ગેટ જોવા મળ્યો હતો. તેવી જ રીતે ટાઇમ ઝોન એન્ટરટેઇનમેન્ટ પાસે પણ ફાયર એનઓસી નહતી, તેવી જ રીતે ગેમ ઝોન, શાન મોલ, કરસમદ પાસે ફાયર એનઓસી ન હોઇ તેમજ એન્ટ્રી અને એકઝીટ માટે એક જ ગેટ જોવા મળતા આ તમામ મિલ્કતોને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી હતી. જ્યારે બોરસદ તાલુકાના સીસ્વા ગામ ખાતે CAMP DILLY Resort ના માલીક દ્વારા ફાયર સેફટી માટેની અરજી કરી છે, પરંતુ હાલ સદર રીસોર્ટની તમામ એડવેન્ચર પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવી છે.

Most Popular

To Top