દબાણો હટાવવા બાબતે કોઈ હકારત્મક પ્રતિક્રિયા ન મળતાં, આખરે પાલિકાએ જ કડકાઇથી દબાણ હટાવવાની કામગીરી કરી
વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દુકાનની બહાર બનાવેલા ઓટલા તથા છાપરાના દબાણોને દૂર કરવા જેસીબી ટ્રેક્ટર સાથે પાલિકા ટીમ ત્રાટકી
(પ્રતિનિધિ) આણંદ તા 24
આણંદ શહેરમાં વધી રહેલા દબાણો પર અંકુશ લાવવા માટેનો વિકટ મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી શહેરભરમા ચર્ચાતો હતો. શહેરમાં વાહનોની અવરજવર અને જનતાની ભરમાર સાથે સાથે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા પણ ઘણા સમયથી મથામણ ચાલતી હતી. ત્યારે સોમવારે એકાએક જ નગરપાલિકાએ ટુંકી ગલીના દબાણો હટાવીને સપાટો બોલાવી દીધો છે.
આણંદ શહેરમાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા જુના બસ સ્ટેન્ડ અને ટુંકી ગલી પાસે જોવા મળે છે. દબાણ કર્તાઓને વારંવાર સુચનાઓ આપી દબાણ હટાવી લેવા જણાવવામાં આવ્યું હતુ. પરંતુ દબાણો હટાવવા બાબતે કોઈ પ્રતિક્રિયા મળતી નહોતી. આખરે પાલિકાએ જ કડકાઇથી દબાણ હટાવવાની કામગીરી કરી લીધી હતી. સોમવારે નગરપાલિકા દ્વારા શહેરના ખુબ જ ભીડભાડ ધરાવતા ટુંકી ગલી વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આણંદમાં સુપર માર્કેટ પાસેના ટૂંકી ગલી જેવી જાહેર અવરજવરની ખુલ્લી જગ્યા પર કરાયેલા દબાણ પર પાલિકા તંત્રની લાલ આંખ થતાં જ સવારથી જ દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકા દ્વારા કોઈની પણ શેહશરમ રાખ્યા સિવાય નડતરરૂપ દબાણો હટાવવા માટે જેસીબી ટ્રેક્ટરને કામે લગાડી ટૂંકી ગલીના સુપર માર્કેટ પાસેના દબાણો હટાવાયા હતા.