Charotar

આણંદના 5 વ્યાજખોરોએ મહિલા પાસે 10થી 20 ટકા તોતિંગ વ્યાજ વસુલ્યાં

સિક્યુરીટી પેટે આપેલા ચેકમાં તોતિંગ રકમ ભરી બાઉન્સ કરાવી કેસ કર્યાં

(પ્રતિનિધિ) આણંદ તા.31

આણંદના બાકરોલમાં રહેતા 51 વર્ષિય મહિલાએ ધંધા – રોજગાર માટે વ્યાજે રકમ લીધી હતી. જોકે, વ્યાજખોરે તેમનું આર્થીક શોષણ કરવામાં કોઇ કસર છોડી ન હતી. આ 5 વ્યાજખોર શખ્સે 10થી 20 ટકા જેવું તોતિંગ વ્યાજ વસુલ્યાં હતાં. આ ઉપરાંત સિક્યુરીટીના ચેકમાં મોટી રકમ ભરી તે બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કર્યો હતો. આ અંગે મહિલાએ ચારેય સામે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

બાકરોલના વડતાલ રોડ પર આવેલા આસ્થા એપાર્ટમેન્ટમાં રહેતા નીલાબહેન દર્શકભાઈ પટેલ ઘરે ઘરે ફરીને ઇમીટેશન જ્વેલરીનો ડોર ટુ ડોર વ્યવસાય કરે છે. જ્યારે તેમના બે પુત્ર વિદેશ રહે છે. જોકે, નીલાબહેનને નાણાની જરૂર પડતાં વર્ષ 2018માં દશરથ ઉર્ફે રાજુ દાઢી બાબુ પંચાલ (રહે. સિહોલ, તા. પેટલાદ)ની બોબી ફાયનાન્સમાંથી 20 હજાર 10 ટકા લેખે વ્યાજે લીધાં હતાં. બાદમાં વધુ 30 હજાર પલ્સર બાઇક ગીરો મુકી લીધો હતો અને બે મહિને, ત્રણ મહિને ત્રીસ – પાંત્રીસ હજાર એમ અવાર નવાર વસ્તુ ગીરો મુકીને નાણા લીધાં હતાં. જેઓ પાસે કુલ રૂ. દોઢ લાખ લીધાં હતાં. આથી, નીલાબહેને મુડીનું વ્યાજ દસ ટકા લેખે રૂ.15 હજાર વ્યાજ મહિને આપતાં હતાં. જે મુડી તથા વ્યાજ સાથે રૂ.4.60 લાખ આપ્યાં હતાં. બે વર્ષ અગાઉ રાજુ દાઢી પાસેથી રૂ. એક લાખ દસ ટકા વ્યાજે લીધાં હતાં. નાણાની જરૂર પડતાં રૂ. 2 લાખ 10 ટકા વ્યાજે લીધાં હતાં. જેમાંથી આશરે 1.80 લાખ આપ્યાં છે. બાકીના નાણા આપવાના બાકી છે. આ તમામ રકમ પેટે ચાર કોરા ચેક આપેલા હતાં. જેમાં નીલાબહેનના નામે રૂ.8.50 લાખ ભરી ચેક બાઉન્સ કરાવ્યો હતો.

અલબત્ત નીલાબહેને એક વર્ષ અગાઉ ધૃવલ મહેશ વાળંદના રામદેવ ફાયનાન્સ પાસેથી રૂ.એક લાખ 20 ટકા વ્યાજે લીધાં હતાં. જેમાં એડવાન્સ વ્યાજના કાપી 80 હજાર આપ્યાં હતાં. બાદમાં ધૃવલ પાસેથી 15મી જૂન, 2024 બાદ વધુ દોઢ લાખ કટકે કટકે લીધા હતા. આ સમયે પચાસ હજારનું રૂ.20 હજાર લેખે વ્યાજ લેતો હતો. આ ઉપરાંત દરરોજ એક લાખના બે હજારનો હપ્તો લેતો હતો. આમ, ધૃવલને કુલ રૂ.7.65 લાખ ચુકતે કર્યાં હતાં. નીલાબહેને તેને પણ ચાર કોરા ચેક આપ્યાં હતાં. તેઓએ બેંકમાં રૂ.4.80 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો હતો. આ ઉપરાંત નીલાબહેન ચારેક વર્ષ અગાઉ ધર્મેશ રમણ પટેલના સંપર્ક આવ્યાં હતાં અને તેઓએ ઇમીટેશનના ધંધા અર્થે વાત કરતાં તેઓએ 10 ટકા વ્યાજે રૂ.5 લાખ આપ્યાં હતાં. તેનું છ મહિના દસ ટકા લેખે વ્યાજ આપ્યું હતું. બાદમાં ચાર લાખ આપી દીધા હતા. તેઓને ટોટલ નફો 6.90 લાખ આપી દીધા હતા. તેવી જ રીતે ત્રણેક વર્ષ અગાઉ નરેશ પટેલ (રહે. કરમસદ) પાસેથી પણ રૂ. એક લાખ 20 ટકા વ્યાજે લીધાં હતાં. તેને પણ કુલ રૂ.4.60 લાખ આપ્યાં હતાં. અલ્કેશ ગજ્જર (રહે. બોરસદ) પાસેથી રૂ.20 હજાર 15 ટકા વ્યાજે લીધા હતા.જે રકમ ચુકવી ન શકતા ચેકમાં રૂ. ત્રણ લાખ ભરીને કોર્ટમાં કેસ કર્યો હતો. આમ, દશરથ ઉર્ફે રાજુ દાઢી બાબુ પંચાલ, ધૃવલ મહેશ વાળંદ, ધર્મેશ રમણ પટેલ, નરેશ પટેલ અને અલ્કેશ ગજજરે 20મી ઓગષ્ટ,2018થી 1લી જૂન, 2024 એમ કુલ સાત વર્ષના ગાળા દરમિયાન તોતિંગ વ્યાજ વસુલયાં હતાં. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પાંચેય સામે ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top