બેડવાના આઘેડની લાશ વઘાસી ગામના સવશાંતિ કલબ પાસે ફુટપાથ પરથી મળી
યુવકના ગળા, જડબા અને માથાના પાછળના ભાગે ઘાના નિશાન મળ્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.10
આણંદ શહેર નજીકના વઘાસી ગામમાં આવેલા સવશાંતિ પાર્ટી પ્લોટ બહાર ફુટપાથ પર વ્હેલી સવારે આધેડની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં ગ્રામ્ય પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં જ અજાણ્યા શખ્સોએ આધેડના ગળા, જડબા અને માથાના પાછળના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું ખુલતા ચકચાર મચી ગઇ હતી. જ્યારે આ આધેડ બેડવાનો હોવાનું ખુલ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદના વઘાસી ગામ પર આવેલા સવશાંતિ કલબની બહાર શનિવારની વ્હેલી સવારે ફુટપાથ પરથી અજાણ્યા આધેડનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં મળ્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. અસારી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. આ મૃતકની ઓળખ કરતાં તે અરવિંદ મગનભાઈ પટેલ (ઉ.વ.55, રહે. બેડવા)નો હોવાનું ખુલ્યું હતું. જ્યારે પ્રાથમિક તપાસમાં જ અજાણ્યા શખ્સે અરવિંદને સ્થળ પર લાવી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યાં હતાં. જેમાં ગળા પર, જડબા તથા માથાના પાછળના ભાગે મારી હત્યા કરી નાંખી હતી. આથી, પોલીસે મૃતદેહનો કબજો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો.
આ અંગે બેડવા ગામમાં તપાસ કરાવતાં મૃતક અરવિંદ બેડવા ગામની ખડકીમાં રહેતો હતો અને હાલમાં ગામના જ સ્વામિનારાયણ મંદિર નજીક પત્ની અને બે સંતાનો સાથે રહેતો હતો. અરવિંદ પટેલ ખેતીકામ તેમજ કેટરીંગમાં પીરસવા જવાનું કામકાજ કરતાં હતાં. રાત્રિના સમયે કેટરીંગના ઓર્ડરમાં પીરસીને ઘરે આવ્યાં બાદ બહાર ગયો હતો. પરંતુ બીજા દિવસે તેની લાશ મળી હતી. જોકે, આ હત્યા પાછળ કોઇ નજીકની વ્યક્તિ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. પરંતુ હત્યાના કારણમાં આડાસંબંધ કે મિલકત ઝઘડો તે અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યાં છે.
સીડીઆર સહિતની વિગતો તપાસવામાં આવી રહી છે
આણંદ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. અસારીએ જણાવ્યું હતું કે, બેડવાના અરવિંદની હત્યા પાછળ કોણ છે ? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ સીસીટીવી ફુટેજ તપાસવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત તેમના મોબાઇલ કોલની વિગતો મંગાવવામાં આવી છે. જેના આધારે આગળની કડી મેળવવા કોશીષ કરવામાં આવશે. હાલ કોણે અને ક્યા કારણોસર હત્યા કરી ? તે તપાસ ચાલી રહી છે.
ફુટેજમાં અરવિંદ એક્ટીવા પાછળ જોવા મળ્યો હતો
આણંદ નાયબ પોલીસ અધિક્ષક જે. એન. પંચાલે જણાવ્યું હતું કે, ઘટના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં રાત્રિના સમયે અરવિંદભાઈ પટેલને એક એકટીવા ચાલક બેસાડીને લઈ જતો નજરે પડે છે. થોડીવાર બાદ એકટીવા ચાલક એકલો પાછો આવતો સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યો હતો. રાત્રિનો અંધકાર હોવાના કારણે એકટીવાનો નંબર તથા એકટીવા ચાલકને બરાબર ઓળખી શકાતો નથી.