આણંદના સાંસદ દ્વારા સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્ક રહી ઓપરેશન પાર પાડ્યું
આણંદ.
આણંદના વાસદ અને ઝાંખરીયા ગામના બે પરદેશવાંચ્છુ યુવાનોને મુંબઈના એજન્ટોએ અજરબૈજાન અને કેનેડા થઈ અમેરિકા મોકલવાની લાલચ આપી વિદેશમાં બંધક બનાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અપહરણકારોએ વોટ્સએપ કોલ પર યુવકને ઢોર માર મારતા હોય તેવા વીડિયો બતાવી બન્ને પરિવારો પાસેથી કુલ 65 લાખ રૂપિયા પડાવી લીધા છે. જોકે, આ મામલો સાંસદ મિતેષભાઈ પટેલ સુધી પહોંચતાં તેઓએ વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરી હતી. જેના પગલે અપહૃત યુવક – યુવતીને છોડાવી લેવામાં સફળતા મળી છે.
આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, અઝરબૈજાનમાં જે યુવક – યુવતીનું અપહરણ થયું હતું તેના માતા-પિતાએ બે દિવસ પહેલા મારો સંપર્ક કર્યો હતો અને તેમણે જણાવ્યું કે, અઝરબૈજાન એટલે કે બાકુમાંથી તેમને ફોન આવ્યો કે ભાઈ, બંને જેઓ યુએસએ જઈ રહ્યા હતા અને બે નંબરમાં જઈ રહ્યા હતા, તે બંનેનું ત્યાં અપહરણ કરી લેવામાં આવ્યું છે અને અપહરણ કરીને એક વીડિયો કોલ દ્વારા બન્નેના માતા – પિતા પાસે પૈસાની માંગણી કરી હતી. આથી, માતા-પિતા ગભરાઈ ગયા. તેમણે મારો સંપર્ક કર્યો હતો. આથી, આપણા વિદેશ મંત્રાલય, દિલ્હીને મેઈલ કર્યો. જેમાં પાસપોર્ટ નંબર સાથેની તમામ વિગતો સાથે, તેમની ટિકિટો સાથે અને સંપૂર્ણ વિગતો આપ્યા પછી, જ્યારે હું સોમવારે સંસદમાં હતો ત્યારે હું વિદેશ મંત્રાલયની ઓફિસે ગયો. ત્યાંના તમામ અધિકારીઓને મળ્યો અને આપણા જે વિદેશ મંત્રી એસ. જયશંકરજીને મળી 24 કલાકમાં વિદેશ મંત્રાલય, દિલ્હીએ ત્યાંની અઝરબૈજાનની એમ્બેસીને આ બધી વિગતો મોકલી અને એટલી ગંભીરતાથી તેમણે કામ કર્યું અને 24 કલાકમાં તે બંને આજે ત્યાંની એમ્બેસીમાં સુરક્ષિત છે.