હું આણંદનો દાદો છું, મને નાણા નહીં આપે તો જાનથી હાથ ધોવા પડશે…
વેપારીએ બે શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો ..
આણંદ શહેરની ગણેશ ચોકડી પર આવેલા અમૂલ પાર્લરના વેપારીને માથાભારે શખ્સે રૂ.25 હજાર માંગી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે શહેર પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધ્યો હતો.
આણંદની ગણેશ ચોકડી પાસે દેવશીખર કોમ્પ્લેક્સમાં રહેતા હિતેશ લક્ષ્મમભાઈ ઠક્કર નજીકમાં જ અમુલ પાર્લર – પ્રોવિઝન સ્ટોર ચલાવે છે. તેઓને 28મીના રોજ અજાણ્યા નંબરથી કોલ આવ્યો હતો. આ શખ્સે ધમકીભરી ભાષામાં વાત કરતાં જણાવ્યું હતું કે, હું વિકાસ ફટાણીયા બોલું છું. તેમ કહી અપશબ્દ બોલી રૂ.25 હજારની માગણી કરી હતી. જોકે, મામલાને ગંભીરતાથી લીધો નહતો. બાદમાં 30મીએ ફરી ફોન આવ્યો હતો અને હું ફટાણીયા બોલું છું. તેમ કહી અપશબ્દ બોલતાં હિતેશે ફોન કાપી નાંખ્યો હતો. દરમિયાનમાં 6ઠ્ઠી જુલાઇના રોજ બપોરના દોઢેક વાગે હિતેષની દુકાન પર અજાણ્યો શખ્સ આવ્યો હતો, તેને ધમકાવતા કહ્યું હતું કે, તને હું વારંવાર ફોન કરું છું અને મારા માગ્યા મુજબના રૂપિયા તું કેમ આપતો નથી ? તને મારો ડર નથી ? હું આણંદનો દાદો (ડોન) છું. મારૂ નામ વિકાસ ફટાણીયા છે.
આ ઉપરાંત તેની સાથે બીજો એક અજાણ્યો માણસ પણ આવેલો હતો. આ સમયે વિકાસને ધમકી આપી હતી કે, તું કે રૂપિયા આપતો નથી ? તેમ કહી અપશબ્દ બોલવા લાગ્યો હતો અને ગુસ્સે થઇ કહેવા લાગ્યો હતો કે મારી માગણી મુજબના રૂપિયા તારે આપવા તો પડશે જ. જો તું મારા માગ્યા મુજબના રૂપિયા નહીં આપે તો તારે જીંદગીથી હાથ ધોવા પડશે. તેવી ધમકી આપી હતી. જોકે, હિતેશે શેના રૂપિયા માંગો છો ? તેમ કહેતા વિકાસે આણંદમાં ધંધો કરવો હોય તેમજ રહેવું હોય તો તારે મને રૂપિયા આપવા પડશે. જો તું રૂપિયા નહીં આપે તો ગમે ત્યાં મળીશ ત્યાં તને મારી નાંખીશ. હાલ તો તું મને રૂપિયા આપી જઇશ. તેવું સમજી હું જાવ છું. તેમ કહી જતો રહ્યો હતો. આ અંગે હિતેશ ઠક્કરે આણંદ શહેર પોલીસ મથકે વિકાસ ફટાણીયા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.