આણંદમાં રખડતા પશુ પકડવાની મજુરી કરતાં શખ્સે જ અન્ય સાથે કાવતરૂં રચ્યું
ઢોર ડબાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી પશુ હાંકી કાઢી બજારમાં છુટા મુકતા 2.97 લાખનું નુકશાન થયું
(પ્રતિનિધિ) આણંદ તા.25
આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી તેમાં પ્રવેશ કરી 52 જેટલા પશુને લઇ જનારા છ શખ્સને પોલીસે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ શખ્સોના કૃત્યથી પાલિકાને 2.97 લાખનું નુકશાન થયું હતું.
આણંદ મહાનગરપાલિકાના ઢોર ડબ્બા નિયંત્રણ વિભાગ દ્વારા શહેરમાં રખડતા પશુ પકડીને રૂપાપુરા રેલવે બ્રિજની નીચે આવેલા મનપા હસ્તકના ઢોર ડબામાં રાખવામાં આવ્યાં હતાં. 1લી માર્ચ,25થી 20મી માર્ચ,25 દરમિયાન કુલ 83 ઢોર પકડી રાખવામાં આવ્યાં હતાં. જેમાં 22 જે તે માલીક દ્વારા દંડ ભરીને છોડાવી દેવાયાં હતાં. જ્યારે 4ના મોત નિપજ્યાં હતાં. આમ, 20મીએ ગણતરી કરતાં ડબ્બામાં કુલ 57 પશુ રાખેલાં હતાં. આ દરમિયાન ઢોર ડબ્બા નિયંત્રણ વિભાગના નોડલ ઓફિસર જયેશભાઈ પટેલને જાણવા મળ્યું હતું કે, ઢોર ડબાના મુખ્ય દરવાજાનો નકુચો તોડી, ડબ્બામાં રાખેલા 52 જેટલા પશુ અજાણ્યા શખ્સોએ છુટા મુકી દીધાં હતાં. આ ઢોર બજારમાં હાંકી કાઢતાં કુલ રૂ.2,97,076નું નુકશાન થયું હતું. આ અંગે જયેશભાઈએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી હતી.
આણંદ શહેર પોલીસની તપાસમાં છએક વ્યક્તિએ ભેગા મળી પોતાના પશુ ડબ્બામાં હોય તે તથા અન્ય પશુને ડબ્બામાંથી છોડાવવા માટે કાવતરૂ રચવામાં આવ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે ઢોર પાર્ટીમાં મજુર તરીકે કામ કરતાં સુજય યોગેશ પટેલે ઢોર ડબ્બામાંથી પાંજરૂ બહાર કાઢવાનું છે, તેવું બહાનું કાઢી ચાવી લઇ આવ્યો હતો અને સુજય ઉપરાંત ભદ્રેશ ઉર્ફે ભયલુ કરશન રબારીએ ડુપ્લીકેટ ચાવી બનાવી તમામ આરોપીઓ ભેગા મળી ઢોર ડબ્બાનો મુખ્ય દરવાજો ખોલી 52 પશુ હંકારી કાઢ્યાં હતાં. જોકે, 35ને શોધી રિકવર કરવામાં આવ્યાં હતાં. આ અંગે શહેર પોલીસે અર્જુન મનુ પરમાર, ભદ્રેશ ઉર્ફે ભયલુ કરશન રબારી, સતીષ રામજી રબારી, સુજય યોગેશ પટેલ, દશરથ હેમરાજ રબારી, દશરથ ચરણ રબારીની ધરપકડ કરી હતી.
