Charotar

આણંદના બ્રેઇન ડેડ યુવકે અંગદાન થકી પાંચને નવજીવન બક્ષ્યું

એક દિવસ પહેલા જન્મેલી પોતાની દીકરીનું મોઢું નહી જોઈ શકેલા પિતાએ 5 વ્યક્તિના જીવનમાં ખુશીના રંગો ભરી ઉજાશ પાથર્યાં

યુવકના પત્ની, માતા – પિતાએ નિઃસ્વાર્થ માનવ સેવાનું બેનમુન ઉદાહરણ પુરૂ પાડ્યું

(પ્રતિનિધિ) આણંદ તા.15

આણંદમાં રહેતા 40 વર્ષિય યુવક સ્નાન કરવા બાથરૂમાં ગયાં બાદ અચાનક બેભાન થઇ ગયાં હતાં. જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. પરંતુ ડોક્ટરે તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યાં હતાં. આ અંગે ડોનેટ લાઇફ સંસ્થાને જાણ થતાં તેઓ હોસ્પિટલ પર પહોંચ્યાં હતાં. જ્યાં યુવકના પરિવારજનોને મળી અંગદાન કરવા સમજાવ્યાં હતાં. જેમાં સફળ રહેતાં યુવકના ધર્મપત્ની, માતા – પિતાએ નિઃસ્વાર્થ માનવ સેવાનું બેનમુન ઉદાહરણ પુરૂ પાડતાં અંગદાન કર્યું હતું. જેના થકી 5 વ્યક્તિને નવજીવન મળ્યું હતું.

આણંદ શહેરના યકૃપા રેસીડન્સીમાં રહેતા અને સો ફુટ રોડ પર પ્રોવિઝન સ્ટોર ચલાવતાં હાર્દિક નવીનચંદ્ર સેલત (ઉ.વ.40) 10મી માર્ચના રોજ નિયત સમયે મોર્નિંગ વોક કરવા ગયાં હતાં. બાદમાં ઘરે આવી ચા – નાસ્તો કરી બાથરૂમમાં સ્નાન કરવા ગયાં હતાં. પરંતુ અડધો કલાક થવા છતાં તેઓ બહાર ન આવતાં તેમના પત્નીને ચિંતા થઇ હતી અને તેઓએ તપાસ કરતાં હાર્દિક બેભાન અવસ્થામાં પડ્યો હતો. આથી, તાત્કાલિક પરિવારજનોને જાણ કરતાં તેઓ હાર્દિકને 108માં આઇરીસ હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. જ્યાં ફિજીશ્યન ડો. પાર્થ શાહની સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો. ડોક્ટરે સીટી સ્કેન કરાવતા નાના મગજમાં હેમરેજ હોવાનું નિદાન થયું હતું. અલબત્ત, 13મી માર્ચના રોજ ન્યૂરોસર્જન ડો. સચિન પટેલ, ન્યૂરોફિજીશ્યન ડો. હિમાંશુ પટેલ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. નિતાંત ત્રિવેદી, મેડિકલ ડિરેક્ટર ડો. મેહુલ પટેલ અને ફિજીશ્યન ડો. પાર્થ શાહે સઘન સારવારના અંતે હાર્દિકને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.  આ અંગે ડો. નિતાંત ત્રિવેદીએ ડોનેટ લાઇફના સ્થાપક નિલેશ માંડલેવાલાને જાણ કરી હતી. જેથી ડોનેટ લાઇફના નિખીલ શાસ્ત્રી, નીશીલ પટેલ તાત્કાલિક આણંદ દોડી આવ્યાં હતાં અને તેઓ હાર્દિકના પિતા નવીનચંદ્ર, માતા દક્ષાબહેન સહિત સેલત પરિવારને મળ્યાં હતાં અને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ અંગે હાર્દિકભાઇના પત્ની નિમાબહેનની સંમતિ લેવી જરૂરી હતી. પરંતુ તેમને 12મી માર્ચના રોજ પ્રસુતિની પીડા ઉપડતાં આકાંક્ષા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમણે દિકરીનો જન્મ આપ્યો હતો. આથી, ડોનેટ લાઇફની ટીમ આકાંક્ષા હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં નીમાબહેનને મળી હાર્દિકના બ્રેઇન ડેડની જાણકારી આપી, અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જોકે, નિમાબહેને અંગદાન માટે સહમતિ આપી હતી.  આ, પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા હૃદય અમદાવાદની યુએન મેહતા હોસ્પિટલ, ફેફસા અમદાવાદની કે. ડી હોસ્પિટલ,  લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ, બે કિડનીમાંથી એક કિડની અમદાવાદની એપોલો હોસ્પિટલ અને બીજી કિડની વડોદરાની ઝાયડસ હોસ્પિટલને ફાળવવામાં આવી હતી. આમ, હૃદય, ફેફસા, લીવર અને કિડનીનું દાન મેળવવા જે તે હોસ્પિટલની ટીમ આણંદ આવી પહોંચી હતી. પરંતુ હૃદય અને ફેફસાનું દાન મેડિકલ કારણોસર થઇ શક્યું નહતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિકના પરિવારમાં તેના ધર્મપત્ની નીમા (ઉ.વ.38), એક દિવસય પુત્રી, વૃદ્ધ પિતા નવીનચંદ્ર (ઉ.વ.74) કે જેઓ PWD માંથી જીવન જળસંપતિ નિગમમાંથી 2006માં સ્વૈરછીક નિવૃતિ લીધી હતી. તેમજ માતા દક્ષાબેન (ઉ.વ.71) કે જેઓ ભારતીય રેલ્વેમાંથી વર્ષ 2013માં ચીફ ઓફિસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિવૃત થયા હતા. આ પરિવારે દુ:ખની ઘડીમાં માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

Most Popular

To Top