મકસુદે મુકેશ બની યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી ગેસ્ટ હાઉસમાં લઇ જઇ કુકર્મ આચર્યું
મોબાઇલમાં યુવતીના ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપી
(પ્રતિનિધિ) આણંદ તા.27
આણંદના નાપા ગામના વિધર્મી શખ્સે પોતાનું નામ બદલી એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને ગેસ્ટ હાઉસમાં લઇ જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત મોબાઇલમાં ફોટા પણ પાડ્યાં હતાં. યુવતીને તેની હકિકત જાણવા મળતાં તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે વિધર્મી સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આણંદના નાપા ગામમાં રહેતા મકસુદ દિલુભા રાણા પશુઓના ઘાસચારો વેચવાનો વ્યવસાય કરે છે. આ દરમિયાન ચારેક વર્ષ પહેલા તેને ત્યાં ઘાસ લેવા આવતી યુવતી સાથે પરિચય થયો હતો. આ પરિચયથી બન્ને વાતચીત કરતાં હતાં. આ સમયે મકસુદે તેનું નામ મુકેશ હોવાનું જણાવ્યું હતું. દરમિયાનમાં યુવતીનો મોબાઇલ બગડી જતાં મકસુદે રિપેર કરાવ્યો હતો. જેમાં યુવતીનો નંબર તેની પાસે આવી ગયો હતો. બાદમાં બન્ને એક બીજા સાથે વાતચીત કરવા લાગ્યાં હતાં. જેમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આ સમયે મકસુદ પોતે અપરિણીત હોવાનું અને યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપી આણંદના એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો. જ્યાં તેના પર દૂષ્કર્મ ગુજાર્યું હતું. આ સમયે તેણે મોબાઇલમાં ફોટા પણ પાડી લીધાં હતાં. યુવતી લગ્ન કરવાની વાત કરતી તો મકસુદ બહાનુ બતાવી છટકી જતો હતો. બે વર્ષ વીતી ગયા પછી અચાનક યુવતીને જાણવા મળ્યું હતું કે, મુકેશનું સાચુ નામ મકસુદ દિલુભા રાણા છે અને તે પરિણીત છે. આથી, યુવતીએ ઝઘડો કર્યો હતો અને બોલવાનું બંધ કરી દીધું હતું. પરંતુ મકસુદે ફરી સંપર્ક કરી પત્નીને છુટાછેડા આપી લગ્ન કરવાનું વચન આપ્યું હતું. જોકે, યુવતીએ ના પાડતા મકસુદે મોબાઇલમાં રહેલા તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી અને યુવતીને અવાર નવાર બોલાવી સંબંધ બાંધતો હતો. તેમાંય એક દિવસ મકસુદે ઢુંઢાકુવા ગામના ખેતરમાં પણ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. અલબત્ત, યુવતી લગ્ન કરવાની વાત કરતી ત્યારે મકસુદ ગુસ્સે થતો અને ઝઘડો કરતો હતો.
દરમિયાનમાં યુવતી 24મી જાન્યુઆરીના રોજ ઘરે હાજર હતી તે સમયે સાંજના મકસુદે ફોન કરી લગ્ન કરવાની વાત કરીશ તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત ફોટા વાયરલ કરી દેવા પણ ધમકી આપી હતી. આથી, યુવતી ગભરાઇ ગઇ હતી. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં આણંદ શહેર પોલીસે યુવતીએ મકસુદે ખોટું નામ ધારણ કરી લગ્ન કરવાનો વાયદો કરી તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દૂષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી મકસુદની ધરપકડ કરી હતી.
