Charotar

આણંદના ડોક્ટરનો પ્રોજેક્ટ વેબ ડિઝાઇનરે બારોબાર બીજાને આપી દીધો

આણંદના હોમિયોપેથીક ડોક્ટરે કોરોના કાળ દરમિયાન ઓનલાઇન એજ્યુકેશન માટે પ્રોજેક્ટ સોંપ્યો હતો

ગઠિયાએ રૂ.પાંચ લાખ ફિ પેટે લીધા બાદ પણ વિશ્વાસઘાત કર્યો

(પ્રતિનિધિ) આણંદ તા.19

આણંદ શહેરના હોમિયોપેથીક ડોક્ટરે કોરોના કાળ દરમિયાન ઓનલાઇન એજ્યુકેશન માટે પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ પ્રોજેક્ટ માટે તેણે સોફ્ટવેર એન્જિનીયરને રૂ.5 લાખ આપ્યાં હતાં. પરંતુ આ શખ્સે પ્રોજેક્ટ અન્ય વ્યક્તિને વેચી દીધો હતો અને નાણા પણ પરત ન કરી વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધયો હતો.

આણંદના ભાલેજ રોડ પર શ્રીસાંઇ હોમીયોપેથીક હોસ્પિટલના ડો. કૃતિક હરેશભાઈ શાહ સેમ્યુલ હેનીમેન્ટ એકડમી ફોર હોમીયોપેથી પણ ચલાવે છે. ડો. કૃતિક શાહે કોરોના કાળથી આજદીન સુધી આશરે સોથી વધુ હોમીયોપેથીકની સારવાર અંગેના ઓનલાઇન વેબીનાર કરીને હોમીયોપેથીક વિજ્ઞાનની અને સારવાર વિશેની પ્રોફેશનલ અને પબ્લીકના માણસોને સમજ આપી હતી. આ સમજ વધુમાં વધુ લોકો તેમજ દર્દીઓ, વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટે રોનક કેતન દવે (રહે. અમદાવાદ)નો સંપર્ક કર્યો હતો. રોનક દવે જુદી જુદી વેબસાઇટ બનાવવાની કામગીરી કરતો હોવાથી તેણે ઓનલાઇન એજ્યુકેશન પર પ્રોજેક્ટ બનાવી આપવાની ખાત્રી આપી હતી. આથી, ડો. કૃતિક શાહે તેની સાથે પ્રોજેક્ટ બનાવી આપવા ઓગષ્ટ,2020માં કરાર કર્યાં હતાં.

અલબત્ત, રોનક દવેએ જે તે સમયે તેના પિતા બિમાર હોવાનું કહી ડિસેમ્બર-2020માં પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ બે ભાગમાં વેચ્યો હતો. જેમાં વેબસાઇડ – કોમ્પ્યુટર, લેપટોપ દ્વારા ભણાવવા માટે અને મોબાઇલ એપ્લીકેશન દ્વારા ભણાવવા માટેની હતી. આ પ્રોજેક્ટ શરૂ થતાં રોનક દવેએ લર્નીંગ મેનેજમેન્ટ ઓનલાઇન સિસ્ટમના પ્રોજેક્ટના ખર્ચ પેટે રૂ.અઢી લાખ માંગ્યાં હતાં. આ આખો પ્રોજેક્ટ દોઢથી બે મહિનામાં પુરો કરી આપીશ. તેવું લેખીતમાં આપ્યું હતું. આથી, વિશ્વાસ રાખી રકમ ચુકવી હતી. બાદમાં રોનક દવેએ થર્ડ પાર્ટી સર્વિસીસ ના વધુ રૂ.1,63,676 અને જીએસટીનો ચાર્જ માંગ્યો હતો. જે પણ ચુકવી દીધો હતો.

આખરે 11મી જુલાઇ, 2021ના રોજ ઓનલાઇન ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.  પરંતુ તે પ્રોજેક્ટ લાઇવ થયો નહતો. આતી, રોનકને જાણ કરતાં તેણે કોઇ ધ્યાન આપ્યું નહતું. તેની સાથે વાત કરતાં તે ઉધ્ધતાઇથી વર્તન કરતો હતો અને કહેતો હતો કે, તમારૂ કામ સમયસર પુરૂ થઇ જાય તે જરૂરી નથી. જો તમને આટલી બધી ઉતાવળ હોય તો જેટલું કામ થયું છે, તેટલું લઇ લો. બાકીનું કામ બીજા પાસેથી કરાવી લેજો. તેમ કહી રોનક દવે તેના કર્મચારી પર દોષનો ટોપલો ઢોળતો હતો.  આ ઘટના બાદ રોનકે બીલ સુધારી આપ્યું હતું. રોનક દવેએ નાણા બાબતે છેતરપિંડી કરી હતી. આ ઉપરાંત દસથી બાર હોમિયોપેથિક ડિઝીટલ મટીરીયલ આપવાનું નક્કી કર્યું હતું. તે પ્રમાણે કામ કર્યું નહતું. આ ઉપરાંત અનેક બાબતે કામ અધુરૂં હતું. વારંવાર પુછવા છતાં સરખો જવાબ આપતો નહતો. એક સમયે તો રોનક દવેએ મજબુરીનો લાભ લઇ જણાવ્યું હતું કે,તમે લેખિતમાં માફી માંગો તો જ તમારા પ્રોજેક્ટનું કામ આગળ વધારી આપીશ અને મેં જે કામ કર્યું છે. તે તમને મળશે. તેવો ધમકીભર્યો ઇમેઇલ કર્યો હતો. આ ઉપરાંત રોનકે પ્રોજેક્ટ બારોબાર એસ્ટ્રોટેકનોવેશનના માલિક સિદ્ધાંત શર્માને આપી દીધો હતો. જે પ્રાઇવેસી પોલીસી તથા પ્રોફેશનલ કોન્ફીડેન્સીયાલીટીનો ભંગ કર્યો છે. આમ ડો. કેતન શાહનું અગત્યનું હોમીયોપેથીક ડીજીટલ મટીરીયલ શેર કરી દીધું હતું. આમ, રોનક દવેએ ગુપ્ત માહિતી અન્ય વ્યક્તિને આપી છેતરપિંડી કરી હતી. આખરે આ અંગે ડો. કેતન શાહે આણંદ શહેર પોલીસ મથકે રોનક કેતન દવે (રહે.801, સ્વાતી ટાવર, ખ્યાતી સર્કલ, અમદાવાદ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top