Charotar

આણંદના ખેડૂતે 23 લાખ સામે 31 લાખ વ્યાજ ચુકવ્યું

આણંદના યુવકે ખેતી માટે લીધેલી રકમમાં વ્યાજખોરોએ 10થી 12 ટકા વસુલ્યાં

બે વ્યાજખોર શખ્સે 40 લાખ લેણી રકમ કાઢી પતિ – પત્નીનો પાસપોર્ટ લઇ લીધા

(પ્રતિનિધિ) આણંદ તા.24

આણંદના બે વ્યાજખોર શખ્સે ખેડૂતને ખેતી માટે આપેલા 23 લાખની રકમ સામે 31 લાખ જેટલું વ્યાજ વસુલ્યું છતાં વધુ રૂ.40 લાખની માગણી કરી પાસપોર્ટ, આરસી બુક લઇ લીધી હતા. આ માનસિક ત્રાસથી ખેડૂતે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે બન્ને સામે ગુનો નોંધ્યો હતો.

આણંદના પુષ્પનીલ બંગ્લોમાં રહેતા હિરેન હર્ષદભાઈ પટેલ મુળ ખંભોળજ ગામના વતની છે. તેઓ છેલ્લા બે વર્ષથી આણંદ રહે છે અને ખેતી કામ કરે છે. તેઓને 2023માં ખેતીનું કામ કરવાનું હોવાથી થોડુ દેવું થઇ ગયું હતું. તેઓએ ખેતી કરવા માટે પૈસાની જરૂરીયાત હોવાથી જુલાઇ મહિનામાં દીપક રમેશચંદ્ર બારોટ (રહે. ચૈતન્ય પાર્ક, જીટોડીયા, આણંદ)ને મળ્યાં હતાં. તેઓએ તમાકુની ખેતી કરવાની હોવાથી રૂ.દસ લાખ મહિને 3 ટકાના વ્યાજે લીધાં હતાં. આ સમયે ત્રણ ચેક સહી કરીને આપ્યાં હતાં. બાદમાં ફરી નાણાની જરૂરીયાત ઉભી થતાં દીપકને વાત કરતાં તેણે નિક્ષીત બ્રહ્મભટ્ટ (રહે. વિશ્રુત પાર્ક, જીટોડીયા)નો સંપર્ક કરાવ્યો હતે. નિક્ષીતના ઘરે મળવા જતાં તેણે રૂ. છ લાખ  12 ટકા વ્યાજે આપ્યાં હતાં. આ અંગે કોરા ચેક લીધાં હતાં. આમ કુલ રૂ.16 લાખના બદલામાં મહિને રૂ.1.80 લાખ વ્યાજ હિરેન ચુકવતો હતો.

 દરમિયાનમાં ફેબ્રુઆરી-2024ના રોજ વધુ રૂ. સાત લાખ લીધાં હતાં. જેમાં પણ ઉંચુ વ્યાજ વસુલવાનું નક્કી થયું હતું. આમ કુલ 23 લાખની રકમ પાસે મહિને વ્યાજ 3.80 લાખ સાથે 31 લાખ ચુકવી આપ્યાં હતાં. આમ છતાં દીપક અને નિક્ષીત અચાનક 18મી જૂનના રોજ સવારના અગીયાર વાગ્યા આસપાસ હિરેનના ઘરે પહોંચી રૂ.40 લાખની માગણી કરી હતી. જોકે, હિરેને કુલ 31 લાખ ચુકવી આપ્યા છે. તેમ છતાં પૈસાની સગવડ થશે તો અમે તમને વ્યાજ સહિત પૈસા આપી દઇશું. તેવી વાત કરી હતી. પરંતુ દીપક અને નિક્ષીત અપશબ્દ બોલવા લાગ્યાં હતાં અને મારી નાંખવાની ધમકી આપી રૂ.40 લાખ આપવા જ પડશે. તેમ કહી પૈસાની અવેજમાં હિરેન અને તેમના પત્નીનો પાસપોર્ટ, કારની આરસી બુક લઇ જઇ માનસિક ત્રાસ આપી બળજબરીથી 10 ટકા તથા 12 ટકા લેખે વ્યાજ લીધું હતું.

આખરે આ અંગે હિરેન હર્ષદભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ મથકે દીપક રમેશચંદ્ર બારોટ (રહે. ચૈતન્ય પાર્ક, જીટોડીયા રોડ, આણંદ) અને નિક્ષીત બ્રહ્મભટ્ટ (રહે. વિશ્રુતી પાર્ક, એસબીઆઈ બેંકની સામે, આણંદ) સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top