Charotar

આણંદના અડાસ ગામમાં જુગાર રમતાં 6 પકડાયાં, 5 ફરાર

વાસદ પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરીંગ સેલે જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો

સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં વાહનો સહિત કુલ રૂ.4.28 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

(પ્રતિનિધિ) આણંદ તા.13

આણંદ જિલ્લાના વાસદ પોલીસ તાબે આવતા અડાસ ગામમાં લાંબા સમયથી ચાલતા જુગારના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં જુગારના અડ્ડાનો મુખ્ય સુત્રધાર સહિત છ સ્થળ પર પકડાયાં હતાં, જ્યારે 5 ભાગી ગયાં હતાં. આ અંગે વાસદ પોલીસમાં જુગાર ધારા હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. જ્યારે વાહનો સહિત કુલ રૂ.4.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી. વનારને બાતમી મળી હતી કે, આણંદના અડાસ ગામની સીમમાં આવેલા બીપીનભાઈ પટેલના ખેતરની સામે ખુલ્લી જગ્યામાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. આ બાતમી આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા ટીમ બનાવી 12મી માર્ચની મોડી રાત્રે અડાસ ગામમાં જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. આ દરોડાના પગલે નાસભાગ મચી ગઇ હતી. જોકે, પોલીસે કોર્ડન કરી છ શખ્સને પકડી પાડ્યા હતાં. આ શખ્સોની પુછપરછ કરતાં ગજેન્દ્રસિંહ ભાવસિંહ રાજ, વનરાજસિંહ ઉર્ફે સંપત ચંદ્રસિંહ રાજ, લખન રામભાઈ પરમાર, ભરત દાનજીભાઈ વણકર, મોહન કાભઇભાઇ ગામેચી અને સંજય કનુભાઈ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. જોકે, નાસભાગમાં પાંચ વ્યક્તિ તેમના વાહન મુકી અંધારાનો લાભ લઇ ભાગી ગયાં હતાં. આ વાહનો કબજે લઇ તેના માલીકોની શોધખોળ હાથ ધરી છે.

આ જુગારના અડ્ડાની પ્રાથમિક તપાસમાં  ગજેન્દ્રસિંહ ભાવસિંહ રાજ મુખ્ય આરોપી હોવાનું ખુલ્યું હતું. જે અંગે પોલીસે તેની આગવીઢબે પુછપરછ હાથ ધરી હતી. બીજી તરફ સ્થળ પરથી ટુ વ્હીલર, મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.4,28,040નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દ્વારા વાસદ પોલીસ મથકે કુલ 11 વ્યક્તિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી ફરાર પાંચની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે.

Most Popular

To Top