પુરાવાના અભાવે કાલોલ કોર્ટે આરોપીઓને છોડી મુક્યા
કાલોલ:
વર્ષ 2017માં કાલોલ શહેરમાં થયેલા મારામારીના બે ચકચારી કેસોમાં અંતે ન્યાયિક વળાંક આવ્યો છે. કાલોલની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા બંને કેસમાં તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ ચુકાદાથી લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે.
મળતી વિગતો મુજબ, વર્ષ 2017માં કાશીમાબાદ સોસાયટી પાસે પાયલોટ હોટલના સંચાલકો દ્વારા હોટલમાં વપરાતા લાકડા અને કચરો ફરિયાદી વસીમભાઈ ઈદ્રીસ જુજારાના “હિન્દુસ્તાન ઑટો ગેરેજ” નામના કેબિન પાસે નાંખવામાં આવતા વિવાદ ઊભો થયો હતો. ફરિયાદીએ “તમારી હોટલનો કચરો મારા કેબિન પાસે કેમ નાખો છો?” એવી ટકોર કરતાં આરોપીઓ ઉશ્કેરાયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફારુક ઈસ્માઈલ દાઉદ, અશરફ સલીમ ઘાંચી, હારૂન ઈસ્માઈલ દાઉદ અને મહમદ ઈસ્માઈલ દાઉદે ગાળો બોલી પાઈપ, ગડદા-પાટુ વડે માર માર્યો હતો તથા કારનો કાચ પાવડા વડે તોડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત અન્ય આરોપીઓ સામે પણ ઈજાઓ પહોંચાડ્યાનો આરોપ નોંધાયો હતો.
આ બંને કેસોની સુનાવણી એસ એસ પટેલની અદાલતમાં ચાલી હતી. આરોપી પક્ષ તરફથી પીએમ શેખ દ્વારા દલીલો કરવામાં આવી હતી. ઉલટ તપાસ દરમિયાન મહત્વની હકીકતો બહાર આવી હતી કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉથી જમીન અંગેની તકરાર ચાલી રહી હતી અને બંને પક્ષે સામસામે કેસ નોંધાવ્યા હતા.
ડોક્ટરની ઉલટ તપાસમાં પણ ખુલ્યું હતું કે ઈજાગ્રસ્ત પોલીસ યાદી વિના સારવાર માટે આવ્યા હતા તેમજ ઈજાઓ કેવી રીતે, કયા સાધનથી અને કેટલા સમય પહેલા થઈ તેની સ્પષ્ટ હિસ્ટ્રી નોંધાયેલી નહોતી. કારના કાચ તોડ્યાનું કોઈ પંચનામું કરવામાં આવ્યું નહોતું, કોઈ સ્વતંત્ર સાક્ષી હાજર નહોતા અને ફરિયાદ પક્ષના સાક્ષીઓ પણ પોતાના જ પરિવારના હોવાનું નોંધાયું હતું. ઉપરાંત ફરિયાદ કરવામાં થયેલા વિલંબ અંગે કોઈ સંતોષકારક કારણ રજૂ કરવામાં આવ્યું નહોતું અને પંચો પણ હોસ્ટાઇલ થયા હતા.
આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અદાલતે નિષ્કર્ષ આપ્યો કે ફરિયાદ પક્ષ આરોપીઓએ ગેરકાયદેસર કૃત્ય કર્યું હોવાનું પુરવાર કરી શક્યો નથી. પરિણામે, બંને કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો હુકમ આપવામાં આવ્યો છે.