( પ્રતિનિધિ )વડોદરા,તા.10
ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટોને લઈને મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ફ્લાઇટ રદ કરાતા મુસાફરોના વિવિધ પ્રસંગો અને હોસ્પિટલના કામો પણ ખોરવાઈ ગયા છે. બુધવારે દિલ્હી વડોદરા દિલ્હી સહિત ચાર ફ્લાઈટ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. ત્રણ ડિસેમ્બર થી અત્યાર સુધીમાં વડોદરા એરપોર્ટ ઉપર 30 જેટલી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થઈ હતી.
ડીજીસીએના નવા નોટિફિકેશન ને પગલે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી ઈન્ડિગોની ડોમેસ્ટિક રૂટની ફ્લાઈટ રોજબરોજ કેન્સલેસનનો દોર જારી છે. જે અંતર્ગત મંગળવારે દિલ્હી વડોદરા દિલ્હી રૂટની ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ કરતા સેકડો પેસેન્જર પૈસા થયા હતા. જ્યારે અન્ય રૂટની ડોમેસ્ટિક ફ્લાઈટ નિર્ધારિત સમય કરતાં લેટ આવી હતી. ઈન્ડિગો એરલાઇન દ્વારા પેસેન્જરને આગોતરી જાણ કરવામાં આવે છે. જેને પગલે પેસેન્જરને રિફંડ મેળવવા કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો અવકાશ રહે છે. જોકે આ ફ્લાઈટ રદ થવાનો સિલસિલો બુધવારે પણ યથાવત રહેવા પામ્યો હતો. ઈન્ડિગોની 6E-6694/6695 દિલ્હી-વડોદરા-દિલ્હી અને ઈન્ડિગોની ફ્લાઇટ 6E-6624/6625 દિલ્હી-વડોદરા-દિલ્હી પણ ઓપરેશનલ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, બુધવારે ઈન્ડિગોની અવ્યવસ્થા મુદ્દે એરપોર્ટ ડિરેક્ટર દ્વારા જણાવાયું હતું કે, ત્રીજી ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 30 ફ્લાઈટ કેન્સલ થઈ છે. આગામી 15 તારીખ સુધી પણ કેન્સલ થવાની શકયતા છે. આજે પણ વધુ ચાર ફ્લાઈટ રદ થઈ હતી. અત્યાર સુધી 36 જેટલા પ્રવાસીઓનો સામાન પહોંચાડી દેવામાં આવ્યો છે. બાકીનો સામાન પણ વહેલી તકે પહોંચાડવામાં આવશે. ઈન્ડિગોની અવ્યવસ્થાને ધ્યાને રાખીને એર ઇન્ડિયાએ વધારાની ત્રણ ફ્લાઈટ શરૂ કરી છે. જેથી પ્રવાસીઓને તકલીફ ન પડે કેન્સલ થયેલી તમામ ફ્લાઈટને રિફંડ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.