Vadodara

આજે રાતે ટેરેસ પર પાર્ટી કરનારા લોકો અને શંકાસ્પદ જગ્યાઓ પર ડ્રોન ઉડાવીને નજર રખાશે

વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ, કેફે સહિત 211 જેટલા સંચાલકો સાથે મિટિંગ યોજી


વડોદરા શહેર પોલીસ થર્ટી ફર્સ્ટે ટેરેસ પર પાર્ટી કરનારા લોકો અને શંકાસ્પદ જગ્યાઓ પર ડ્રોન ઉડાવીને નજર રાખશે. સોમવારે સાંજથી મોડી રાત સુધી પોલીસે પેટ્રોલિંગ, વાહન ચેકિંગની કામગીરી કરી હતી. આ સિવાય બ્રેથ એનેલાઇઝર, એનડીપીએસની કિટ મારફતે પણ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ખાસ કરીને શહેરની અવાવરુ જગ્યાએ શી ટીમ અને ઉચ્ચ પોલીસ અધિકારીએ ચેકિંગ કર્યું હતું.
થર્ટી ફર્સ્ટ અગાઉ શહેરમાં અને જિલ્લામાં મોટી સંખ્યામાં દારૂ, ડ્રગ્સ આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા બૂટલેગર, ડ્રગ્સ પેડલર પર નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારમાં લાઇટ લગાવી, સીસીટીવી લગાવવા તેમજ પાર્ટી પ્લોટ, રિસોર્ટ વગેરેના સંચાલકોને પણ ખાસ તકેદારી રાખવા પોલીસે સૂચનો કર્યાં હતાં.
વડોદરા ગ્રામ્ય પોલીસે ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ, કેફે સહિત 211 જેટલા સંચાલકો સાથે મિટિંગ યોજી જરૂરી સૂચનો આપ્યાં હતાં. જે સ્થળે પાર્ટીનું આયોજન કરાયું હોય ત્યાં કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને કોઈ ન આવે તે અંગે સૂચના અપાઈ છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન પ્રોબેશનર અધિક્ષક, 3 ડીવાયએસપી, 20 પીઆઇ, 45 પીએસઆઇ તેમજ 400થી વધુ પોલીસ કર્મચારી જિલ્લાના જુદા-જુદા ભાગે વાહન ચેકિંગ, બ્રેથ એનેલાઈઝર તેમજ એનડીપીએસ કિટ વડે ચેકિંગ કરાશે. જિલ્લામાં 3 ફાર્મ હાઉસ, 1 પાર્ટી પ્લોટ, હોટલ, કેફે, રેસ્ટોરન્ટ મળી 11 જગ્યાએ થર્ટી ફર્સ્ટની પાર્ટીની મંજૂરી મેળવાઈ હતી.

Most Popular

To Top