યુનાઈટેડ વેના હેમંત શાહે હિન્દુ આગેવાનોને કહ્યું કે, અમે તો ધંધો લઈને બેઠા છીએ, મેદાનમાં કોણ શું કરે એની સાથે અમારે શું મતલબ
જો ગરબાની મર્યાદા ન જળવાતી હોય તો ડાન્સ પાર્ટી નામ આપી દો
બજરંગ દળના જ્વલિત મહેતાએ ચીમકી આપી છે કે હેમંત શાહ બજરંગીઓના હાથે ચડી ગયો તો મોં કાળું કરીશું
વડોદરા: વડોદરાના મોટા ધંધાદારી ગરબાઓમાં થઈ રહેલા મર્યાદા ભંગ સામે હવે હિંદુ સંગઠનો મેદાનમાં આવી ગયા છે. બજરંગ દળે ખુલ્લો પડકાર ફેંક્યો છે કે આજે અમે યુનાઈટેડ વેના ગરબા થવા દઈશું નહીં અને આયોજક હેમંત શાહનું મોં કાળું કરીશું.
વડોદરાના મોટા ધંધાદારી ગરબા મેદાનોમાં જાહેરમાં ચુંબન જેવી અશ્લીલ હરકતો થઈ રહી છે. તેની સામે બજરંગ દળના ક્ષેત્ર સંયોજક જ્વલિત મહેતાએ રોષ વ્યકત કર્યો છે. મહેતાએ એક વિડિઓ જારી કરી જણાવ્યું હતું કે, યુનાઈટેડ વેના મેદાનમાં જે હરકતો થઈ રહી છે તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આયોજક હેમંત શાહનો સંપર્ક કર્યો ત્યારે શાહે એવો જવાબ આપ્યો હતો કે અમે તો ધંધો લઈને બેઠા છીએ. મેદાનમાં કોણ શું કરે એની સાથે અમારે શું મતલબ.
હેમંત શાહના આ જવાબથી હિન્દુ સંગઠનોમાં ભારે ગુસ્સો ભભૂકી રહ્યો છે. જ્વલિત મહેતાએ કહ્યું હતું કે, જ્યાં માતાજીની સ્થાપના થઈ હોય, ગરબો મૂકાયો હોય ત્યાં આવી હરકત થાય તો એના માટે આયોજકો જવાબદાર છે. પોલીસે આયોજકો સામે ગુનો દાખલ કરવો જોઈએ. તમે ગરબાનું નામ આપ્યું છે તે કાઢી ડાન્સ પાર્ટી નામ આપી દો. આજે બજરંગ દળ યુનાઈટેડ વેમાં ગરબા થવા દેશે નહીં. જો આ હેમંત શાહ બજરંગીઓના હાથમાં ચડી ગયો તો એનું મોં કાળું કરી નાખીશું.
બજરંગ દળની આ ચીમકીને પગલે આજે યુનાઈટેડ વેના મેદાનમાં કોઈ નવાજૂની થવાની શક્યતા નકારી શકાતી નથી.