વાવાઝોડામાં ખસેલી પોન્ટુન પંપો અને પલ્ટાયેલા વોક-વેના રીપેરીંગ માટે M/s. Aqua Machineries Pvt. Ltd.ના ટેન્ડર મંજૂરી માટે દરખાસ્ત
વડોદરા: વડોદરા શહેરના મહત્વપૂર્ણ આજવા સરોવરમાં સ્થાપિત પોન્ટુન પંપો અને વોક-વેને પુનઃસ્થાપિત અને મજબૂત કરવાની કામગીરી માટે કુલ રૂ. 2.10 કરોડના ખર્ચના ટેન્ડરને વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાયું છે. તાજેતરમાં તા. 13 મે 2024ના રોજ આવેલા વાવાઝોડાને કારણે આજવા સરોવર ખાતે સ્થાપિત ત્રણેય પોન્ટુન પંપો પોતાના મૂળ સ્થાનથી ખસી ગયા હતા અને વોક-વે પલ્ટી ગયો હતો. પરિણામે પાણી પુરવઠો વિઘટિત થવાની સંભાવના ઊભી થઈ હતી. હાલ આ ત્રણેય પોન્ટુન પંપો કાર્યરત છે, પરંતુ તેમની સ્થિતીને વધુ મજબૂત બનાવવા તથા આવનારા ચક્રવાત જેવી પરિસ્થિતિમાં સુરક્ષિત રાખવા જરૂરી રીપેરીંગ અને ડિઝાઇનિંગનું કામ હાથ ધરવામાં આવશે.
આ કામગીરી માટે મહાનગરપાલિકાના સલાહકાર M/s. Ray Infrastructure Pvt. Ltd. દ્વારા ડિઝાઇન તૈયાર કરાઈ છે . જે Australian Standard AS-3692:2001 મુજબ છે. ઓફર થયેલ બે ટેન્ડરોમાંથી M/s. Aqua Machineries Pvt. Ltd.નું ટેન્ડર સૌથી ઓછું હોવા છતાં અંદાજિત ખર્ચ કરતાં 14.28% વધારે હોવાનું બહાર આવ્યું છે. જોકે, સલાહકારના અભિપ્રાય મુજબ આ ભાવ વ્યાજબી માનવામાં આવ્યા છે. ટેન્ડરની પ્રક્રિયા (n) Procure વેબસાઇટ પર Standard Bidding Document પદ્ધતિથી હાથ ધરવામાં આવી હતી. ટેન્ડર સ્ક્રૂટિની કમિટી સમક્ષ રજુ કર્યા બાદ તેને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી માટેનો ખર્ચ સ્વર્ણીમ ગ્રાન્ટ 2024-25ના બજેટ હેડ હેઠળ ચૂકવવામાં આવનાર છે.
