નવાલાવાલા કમિટીના સૂચન મુજબ વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં નવા અધ્યાયની શરૂઆત
રાજ્ય સરકારે આજવા સરોવરના નવા બેરેજ બનાવવાની કામગીરી સિંચાઈ વિભાગને સોંપી
વડોદરામાં ગત વર્ષે આવેલા ભયાનક પૂરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પૂર નિવારણ માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ પગલું આજવા સરોવરના હાલના બેરેજની નીચે, એટલે કે ડાઉન સ્ટ્રીમમાં નવા બેરેજ બનાવવાનું છે. આ કામગીરીનો અંદાજિત ખર્ચ રૂ. 100 કરોડ રાખવામાં આવ્યો છે. સરકાર દ્વારા પૂર પછી એક વિશેષ સમિતિ રચવામાં આવી હતી જેમાં નવલાવલાની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ શહેરમાં પૂર ન આવે એ માટે વિવિધ સૂચનો આપ્યા હતા. તેમાં આજે લાગુ કરવામાં આવતું સૂચન એ છે કે આજવા સરોવરના હાલના બેરેજની નીચે નવું બેરેજ બનાવવું. આ કામગીરી પાલિકાને સોંપવાને બદલે સીધી રીતે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગને સોંપવામાં આવી છે. હાલમાં આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને સરકાર પાસેથી મંજૂરી મળ્યા બાદ શક્યત છે કે જૂન 2025 થી બેરેજનું કામ શરૂ થઈ શકે.
આ ઉપરાંત, હાલ આજવા અને પ્રતાપપુરા સરોવરની ઊંડાણની કામગીરી પણ ચાલી રહી છે. આજવા સરોવરમાં આશરે 10 લાખ ચોરસ મીટર વિસ્તારમાં 1.5 મીટર ઊંડાણ કરીને 15 લાખ ક્યુબિક મીટર માટી કાઢવાની યોજના છે. 4 માર્ચ 2025થી શરૂ થયેલી આ કામગીરી હેઠળ આજ સુધીમાં માત્ર 414415 ક્યુ. મી. માટી કાઢવામાં આવી છે. એટલે જે આજવા સરોવરમાંથી હજુ 1085585 ક્યુ. મી. માટી કાઢવાની બાકી છે. પ્રતાપપુરા સરોવરમાં આશરે 3 લાખ ચોરસ મીટર વિસ્તારમાં 5થી 7 મીટર ઊંડાણ કરી કુલ 20 લાખ ક્યુ. મી. માટી કાઢવાની કામગીરી શરૂ થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 903281 ક્યુ. મી. માટી બહાર કાઢવામાં આવી છે. એટલે કે, પ્રતાપપુરા સરોવરમાંથી હજુ 1096719 ક્યુ. મી. માટી કાઢવાની બાકી છે. ત્યારે હવે સિંચાઈ વિભાગ દ્વારા આગામી જુન માસમાં આ કામગીરી માટે ઇજારદારને વર્ક ઓર્ડર આપી દેવાશે અને સંભવતઃ તેની કામગીરી પણ શરૂ કરી દેવાશે. ઉલ્લેખનીય છે કે, વરસાદને શરૂ થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. સરકાર દ્વારા આ તમામ પ્રયત્નો વડોદરામાં ફરીથી પૂર જેવી પરિસ્થિતિ ઉભી ન થાય અને શહેરની જળસંચય ક્ષમતા વધે તે માટે કરવામાં આવી રહ્યા છે.