સોસાયટીઓમાં લાંબા સમયથી પાણીના લો પ્રેશરની ફરિયાદોના કાયમી ઉકેલ માટે કવાયત
રૂ. 13.67 કરોડના અંદાજથી GSR, પમ્પહાઉસ, ફીડર લાઈન સહિતના કામને સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરાયું
વડોદરાના આજવા રોડ વિસ્તારના એક્તાનગર, અમરદીપ ડુપ્લેક્ષ, અમરદીપ બંગલોઝ, હરીદર્શન ટાઉનશીપ સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી પાણીના લો પ્રેશરનો પ્રશ્ન ઊભો થયો છે. સ્થાનિક કાઉન્સિલર અને રહીશો દ્વારા પાણી પુરવઠા વિભાગ સમક્ષ અનેક રજૂઆતો બાદ હવે આ સમસ્યાના નિવારણ માટે નવું બુસ્ટર પંપહાઉસ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પાણી પુરવઠા શાખા દ્વારા આજવા બેલેન્સિંગ રિઝર્વોયરના કમ્પાઉન્ડની અંદર નવું બુસ્ટર બનાવવાનું નક્કી કરાયું છે. આ કામમાં કન્સ્ટ્રક્શન ઓફ GSR (ગ્રાઉન્ડ સર્વિસ રિઝર્વોયર), પંપ હાઉસ, ફીડર લાઈન, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ વર્ક તેમજ 5 વર્ષનું ઓપરેશન અને મેન્ટેનન્સ (O&M) સામેલ છે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજ રૂ. 11,49,77,512/- રાખવામાં આવ્યો હતો. પરંતુ ટેન્ડર પ્રક્રિયા બાદ આકાર કન્સ્ટ્રક્શન કંપનીએ અંદાજ કરતાં 18.90% વધુ ભાવ મુજબ રૂ. 13,67,08,261.77/- (GST સિવાય)નો દર આપ્યો હતો. આ દરને હાલ સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે મે. રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને કન્સલ્ટન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કન્સલ્ટન્ટ દ્વારા રજૂ કરાયેલા તુલનાત્મક અહેવાલ મુજબ ઈજારદારનો દર બજાર દર કરતાં 0.76% ઓછો છે, જેથી ભાવપત્ર વ્યાજબી ગણાયું છે.
આ ટેન્ડર પ્રક્રિયા દરમિયાન ત્રણ ઈજારદારોના ભાવપત્રો પ્રાપ્ત થયા હતા, જેમાંથી એક ડિસક્વોલીફાઇ થયો હતો. બાકી બે ક્વોલીફાઇ ઈજારદારોમાંથી આકાર કન્સ્ટ્રક્શન પ્રથમ લોએસ્ટ ઈજારદાર તરીકે પસંદ થયો હતો. વિભાગ દ્વારા બે વખત ભાવ ઘટાડા માટે જણાવ્યા છતાં ઈજારદારે અસમંતી દર્શાવી હતી. આ કામનો સમાવેશ સ્વર્ણિમ જયંતી શહેરી મુખ્યમંત્રી વિકાસ યોજના 2025-26ની નવિન ગ્રાન્ટમાં કરવામાં આવ્યો છે. ટેન્ડર વેલિડિટી 9 ઓગસ્ટ 2025 સુધી માન્ય છે. પ્રસ્તાવ મુજબ, રૂ. 13.67 કરોડના (GST સિવાય) આ પ્રોજેક્ટના ખર્ચાને સ્થાયી સમિતિ સમક્ષ અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. આ કામ પૂર્ણ થયા બાદ આજવા રોડ વિસ્તારના લો પ્રેશર પ્રશ્નમાંથી મોટી રાહત મળશે તેવી અપેક્ષા છે.