- ત્રણ ચાર દિવસથી પાણી ન આવતા પ્રજા પરેશાન
- ટેન્કર મંગાવી એક ટાંકીમાં પાણી ઠાલવી મોટર દ્વારા તમામના ઘરે પાણી પહોંચાડવામાં આવે છે
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા ફાતેમા કોમ્પ્લેક્ષમાં પાણીની સમસ્યા ખુબ વિકટ બની છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિસ્તારમાં પાણી ન આવતા ટેન્કર થકી પાણી મંગાવવું પડે છે. સ્થાનિકો આ પાણી એક ટાંકીમાં ઠાલવે છે અને ત્યાર બાદ મોટર થકી તમામના ઘરે પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે સોમવારે સ્થાનિક રહીશોએ હલ્લો મચાવ્યો હતો.
વડોદરા શહેરમાં પાણીને લઈને વારંવાર કકળાટ જોવા મળી રહ્યો છે. કેટલાય વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતા દબાણ સાથે નથી મળી રહ્યું જેના કારણે અવાર નવાર નગરજનોએ હલ્લો બોલાવવો પડે છે. સ્થાનિકોના વિરોધ વગર જાણે તંત્રના બહેરા કાન સુધી વાત પહોંચતી જ નથી. પોતાના હક માટે પણ આંદોલનો કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના આજવા રોડ ઉપર આવેલા ફાતેમા કોમ્પ્લેક્ષના પણ કંઈક આવા જ હાલ છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી આ વિસ્તારમાં પીવાનું પાણી આવતું નથી જેને લઈને રહીશોએ તંત્ર સામે હલ્લાબોલ કર્યો હતો છેલ્લા ત્રણ ચાર દિવસથી પાણી આવતું ન હોવાથી અહીં પાણીની ટેન્કર મંગાવાની ફરજ પડી છે ઘણી રજૂઆતો કર્યા પછી પણ પીવાનું પાણી હજુ સુધી આ વિસ્તારમાં આવ્યું નથી. ટેન્કર આવે ત્યારે એક ટાંકીમાં પાણી ઠાલવી દેવામાં આવે છે અને ત્યાર બાદ રહીશો પાઇપ લંબાવી મોટર થકી પોતાના ઘરમાં પાણી લેવા મજબુર બન્યા છે. જો કે આ ટાંકીમાંથી પણ પાણી ગંદુ આવતું હોવાની બૂમો ઉઠવા પામી છે ત્યારે તેઓની સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવે તેવી માગ ઉઠવા પામી છે.