(પ્રતિનિધિ) વડોદરા, તા. ૨૫
વડોદરા શહેરના આજવા રોડ પર આજે એક કારના આગળના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળતા થોડા સમયમાં આગ ભભૂકી ઉઠી હતી. ભારત પેટ્રોલિયમ પાસેમાંથી પસાર થતી કારમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં થોડી ક્ષણો માટે અફરાતફરી સર્જાઈ હતી.

પરિસ્થિતિની ગંભીરતા સમજી કારચાલકે તરત જ ગાડી રોડની બાજુએ ઊભી રાખી હતી અને કારમાં સવાર તમામ લોકો સલામત રીતે નીચે ઉતરી આવ્યા હતા. ત્યારબાદ કારના આગળના ભાગમાં આગ વધુ ફેલાવા લાગી હતી, જેને જોઈ આસપાસના લોકો એકત્ર થયા હતા. લોકોએ પાણીના જગ તેમજ ધૂળ નાખી આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ દરમિયાન નજીકની દુકાનમાંથી એક યુવક દોડી આવી અગ્નિશામક યંત્રની મદદથી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસર લેવામાં આવેલી કાર્યવાહીથી મોટી જાનહાની ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી, જોકે કારને નુકસાન થયાનું જાણવા મળ્યું છે. ઠંડીની ઋતુ દરમિયાન પણ વાહનમાં આગ લાગવાની ઘટના ચિંતાજનક હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.