SOGની મોટી કાર્યવાહી, એકની ધરપકડ – સપ્લાયર વોન્ટેડ
વડોદરા |
વડોદરા શહેરમાં પ્રતિબંધિત ઈ-સિગારેટના ગેરકાયદે વેચાણ સામે SOGએ ફરી એક વખત કડક કાર્યવાહી હાથ ધરી છે. આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસીડન્સીના રહેણાંક મકાનમાં રેડ કરી SOG પોલીસે રૂ.10.42 લાખનો પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.
રહેણાંક મકાનમાંથી થતું હતું છૂટક વેચાણ
પેટ્રોલીંગ દરમિયાન SOGને બાતમી મળી હતી કે સરદાર એસ્ટેટ પાસે જેની રેસીડન્સીમાં રહેતો સેફાન ઉર્ફે બાબા ઈકબાલભાઈ મેમણ તેના રહેણાંક મકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો રાખી ગ્રાહકોને છૂટકમાં વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે 15 ડિસેમ્બરે SOGની ટીમે મકાનમાં રેડ કરી હતી.
પરમીટ-બિલ ન હોવાનું ખુલ્યું
દરવાજો ખખડાવતા આરોપી સેફાન ઉર્ફે બાબા મેમણે દરવાજો ખોલ્યો હતો. ત્યારબાદ તેની હાજરીમાં મકાનની તપાસ કરતા જુદી જુદી કંપનીઓની બનાવટની ઈ-સિગારેટોના બોક્સ મળી આવ્યા હતા. તપાસ દરમિયાન આ તમામ ઈ-સિગારેટ પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વેચાણ માટેના પરમીટ કે બિલ માંગતા આરોપી પાસે કોઈ દસ્તાવેજ ન હોવાનું ખુલ્યું હતું.
રૂ.10.77 લાખનો મુદ્દામાલ કબ્જે
SOG પોલીસે આરોપી પાસેથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો : રૂ.10.42 લાખ, મોબાઇલ ફોન : રૂ.35 હજાર, આમ કુલ રૂ.10.77 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
સપ્લાયર વોન્ટેડ, બાપોદ પોલીસને સોંપાયો કેસ
ઈ-સિગારેટનો માલ સપ્લાય કરનાર ઇબ્રાહિમ હનીફ બીલ્લાવાળા (રહે. દુધવાળા મહોલ્લો, પાણીગેટ, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપી તથા જપ્ત કરાયેલ મુદ્દામાલ SOG દ્વારા આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.