મહિલાઓનો આક્રોશ , છાજિયા કૂટી કોર્પોરેશનનો હુરિયો બોલાવ્યો
વડોદરા : આજવા રોડ ખાતેના રઘુકુળ વિદ્યાલયની પાછળ આવેલી ચંચળબા પાર્ક સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્ને મહિલાઓએ આક્રોશિત બનીને છાજિયા કૂટી કોર્પોરેશન વિરુદ્ધ હુરિયો બોલાવ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કર્યો કે કોર્પોરેશન બિલ્ડરને ફાયદો કરાવવા માટે સોસાયટીમાંથી જ ગેરકાયદેસર રીતે પાણીનું જોડાણ આપવા દબાણ કરી રહ્યું છે, જેના કારણે તેઓને ચોખ્ખું પીવાનું પાણી મળતું નથી.

મળતી માહિતી મુજબ, ચંચળબા પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા લાંબા સમયથી પાણી પ્રશ્નનો સામનો કરી રહ્યા છે. દૂષિત પાણી આવવાથી લોકોને આરોગ્યની ચિંતાઓ વધી રહી છે, જ્યારે ચોખ્ખું પીવાનું પાણી અવારનવાર કલાકો સુધી મળતું જ નથી. આ માટે સ્થાનિકોએ વારંવાર લેખિત રજૂઆત કરી હોવા છતાં તેમના પ્રશ્નોનું યોગ્ય નિવારણ થયું નથી.

રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે સોસાયટીની બાજુમાં બિલ્ડર દ્વારા સિદ્ધાર્થ બંગલોઝ નામની યોજના ઉભી કરવામાં આવી છે. તે બિલ્ડરને પાણીનું જોડાણ આપવા માટે કોર્પોરેશન તંત્ર દબાણ ચલાવી રહ્યું છે. સોસાયટીની અંદર ખાડા ખોદીને અને પાણીની પ્રેશર લાઈન ચેક કરવાના નામે ગેરરીતિથી પાણી જોડાણ શરૂ કરાયું છે, જેના કારણે સોસાયટીમાં પાણીનું પ્રેશર ઘટી જવાનું ભય છે.

વિરોધ દરમિયાન ઉગ્ર બનેલા રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે, જાહેર જનતાને પીવાનું પાણી પૂરું પાડવા બદલે બિલ્ડરના હિતને મહત્વ આપવામાં આવી રહ્યું છે. મહિલાઓએ ખાસ કરીને કહ્યું કે વારંવાર અધિકારીઓ આવી હેરાનગતિ કરે છે અને આખી સોસાયટી ને નુકસાન પહોંચે તેમ દબાણ કરવામાં આવે છે.
રહેવાસીઓએ વિરોધ દરમિયાન સ્પષ્ટ જણાવ્યું કે તેઓ ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યો, શહેર પ્રમુખ તથા સાંસદ સુધી પોતાની ફરિયાદ પહોંચાડશે. આ મુદ્દે બિલ્ડર હિતને પ્રાથમિકતા આપવાની બદલે સ્થાનિક રહેવાસીઓને યોગ્ય પાણી મળે તે તાત્કાલિક સુનિશ્ચિત કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી.

સ્થાનિક લોકોએ ખુલ્લેઆમ કોર્પોરેશનને ચેતવણી આપી કે જો તેમના પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તેઓને વિશાળ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર થવું પડશે. હાલના પ્રસંગે મહિલાઓને આગેવાની આપતા સમગ્ર સોસાયટીના લોકોએ એકત્ર થઈ પાણી પ્રશ્નને લઈને એકજ સ્વરમાં ન્યાયની માગણી કરી હતી.