સ્કૂલમાં મોબાઈલ લઈ આવ્યો હોવાની જાણ મેડમને કરતા અદાવત રાખી માર માર્યો :
બંને વિદ્યાર્થીના વાલીઓને બોલાવાયા,મારનાર વિદ્યાર્થી પાસે માફીપત્ર લખાવી સમાધાન કરાયું :
( પ્રતિનિધી )વડોદરા,તા.18
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા કડુ મારવામાં આવતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જોકે અંતે મારનાર વિદ્યાર્થીએ ભૂલ સ્વીકારી હવેથી આવી ભૂલ ક્યારેય પણ નહીં થાય તેવું માફી પત્ર લખી આપતા મામલો થાળે પડ્યો હતો.

વિદ્યાર્થીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હું રઘુકુળ વિદ્યાલયમાં ધોરણ 10 માં અભ્યાસ કરું છું. એક છોકરો સ્કૂલમાં મોબાઈલ લાવ્યો હતો અને જેની જાણ મેં મેડમને કરી હતી. તો એણે કેમ મેડમને કહી દીધું અને આ કારણે મને બહાર માર્યો, મારા માથામાં કડુ માર્યું હતું. સ્કૂલના મેડમે તાત્કાલિક એના વાલીને બોલાવી લીધા હતા મને મારા મિત્રો મને દવાખાને લઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું કે સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે, તેના એક મિત્રે તેના માથામાં કડું માર્યું છે. જેથી હું અહીંયા સ્કૂલ પર આવ્યો હતો અને પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી. જોકે તેમના દ્વારા સમાધાનની વાત મૂકવામાં આવી હતી.

જ્યારે સ્કૂલના ટ્રસ્ટી પ્રશાંત શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્કૂલ છૂટ્યા પછી વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને એમાં એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી દ્વારા વાગ્યું,તેને લોહી નીકળ્યું. આ ઘટનામાં અમે બંને વિદ્યાર્થીને અને તેમના પેરેન્ટ્સને બોલાવ્યા એમની સાથે અડધો પોણો કલાક બેસી કાઉન્સિલિંગ પણ કર્યું અને જે વિદ્યાર્થી દ્વારા વાગ્યું છે. એણે પણ પોતાની માફી કબૂલી અને એણે પોતે માફી પત્ર પણ લખીને આપ્યું છે કે હા મારા દ્વારા ભૂલ થઈ છે અને હું ફરીથી આવું ક્યારેય નહીં કરું. એણે એવું પણ લખ્યું છે કે, શાળાએ કડુ પહેરીને સ્કૂલમાં આવવાની ના પાડી હોવા છતાં પણ હું ગઈકાલે પ્રસંગમાં ગયો હતો અને એ સંદર્ભમાં મારાથી ભૂલમાં સવારે સ્કૂલમાં એ કડું પહેરીને હાજરી અપાઈ ગઈ હતી અને આ વિદ્યાર્થી સાથે મારી ઝપાઝપી થતા ભૂલમાંથી એને વાગી ગયું છે અને હવેથી હું ફરીવાર આવું નહીં કરું. આ બાબત બંને વાલીઓ સાથે બેસી સુલઝાવ્યો છે અને આ ઘટના માટે અમે પણ અત્યંત વિચારશીલ અને આવા મામલાને રોકવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોઈએ છે.